RBI Monetary Policy: રિઝર્વ બેંક ફરી આપ્યો મોટો આંચકો, રેપો રેટમાં 35 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો, જાણો લોન કેટલી મોંઘી થશે
આ નાણાકીય નીતિમાં રિઝર્વ બેંકના ગવર્નર ચાલુ નાણાકીય વર્ષ અને આવનારા સમય માટે ફુગાવાના દરનો અંદાજ પણ જારી કરશે.
RBI Monetary Policy: RBIની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ના નિર્ણયો આજે જાહેર કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે મોનેટરી પોલિસી કમિટીના પરિણામો જાહેર કર્યા છે.
આરબીઆઈએ રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રેપો રેટ 5.9 ટકા છે જે હવે વધીને 6.25 ટકા થઈ ગયો છે. આ નિર્ણયને કારણે ફરી એક વખત લોનના વ્યાજ દરમાં વધારો થસે જેની સીધી અસર આમ આદમી પર પડશે. શક્તિકાંત દાસે જણાવ્યું કે MPCના 6માંથી 5 સભ્યોએ બહુમતીથી રેપો રેટ વધારવાની તરફેણ કરી હતી અને ત્યાર બાદ RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. RBIએ સતત પાંચમી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે.
શું અસર થશે
તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ પછી તમારી લોનની EMI વધવાની છે અને તમારા માટે લોન લેવી મોંઘી થઈ જશે. રેપો રેટમાં વધારાને કારણે બેંકોના લોનના દરમાં વધારો થાય છે, જેની અસર ગ્રાહકો પર પડે છે.
શું કહ્યું RBI ગવર્નર શક્તિકાંત દાસે?
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે અમે વધુ એક પડકારજનક વર્ષના અંતમાં આવ્યા છીએ અને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારી દરમાં વધારો થતો જોવા મળ્યો છે. વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે દેશમાં સપ્લાય ચેઇનની સ્થિતિ પડકારોનો સામનો કરી રહી છે. બેંક ધિરાણ વૃદ્ધિ હાલમાં બે આંકડાથી ઉપર આવી રહી છે જ્યારે ફુગાવાનો દર ઉપલા સ્તરે રહે છે.
મોંઘવારી પર RBIએ શું કહ્યું?
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આ વર્ષ માટે ફુગાવાનો નિર્ધારિત લક્ષ્ય ઘણો દૂર છે. જોકે ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2023 માટે ફુગાવાનો દર 6.7 ટકા રહેવાનો અંદાજ છે.
દેશના આર્થિક વિકાસ દર વિશે શું કહ્યું?
શક્તિકાંત દાસે કહ્યું કે દેશના આર્થિક વિકાસ દર (જીડીપી)નો અંદાજ 7 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરવામાં આવી રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં અત્યારે ઘણી અનિશ્ચિતતાઓ છે અને તેની અસર ભારતીય અર્થતંત્ર પર પડે તે સ્વાભાવિક છે, તેમ છતાં ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધતું રહેશે.
નાણાકીય વર્ષ 2022-23 માં 6.8 ટકા જીડીપીનો અંદાજ
આ સાથે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ સેન્ટ્રલ બેન્કે 7 ટકાનો અંદાજ મૂક્યો હતો. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારતનો વિકાસ દર સંતુલિત છે. તેમણે કહ્યું કે માંગ વધી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જે અર્થતંત્રને ટેકો આપી રહી છે.
આ વર્ષે વ્યાજદરમાં ચાર ગણો વધારો થયો છે
આ પહેલા આરબીઆઈએ 4 મેના રોજ રેપો રેટમાં 0.4 ટકા, 8 જૂનના રોજ 0.5 ટકા, 5 ઓગસ્ટના રોજ 0.5 ટકા અને આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ 0.5 ટકાનો વધારો કર્યો હતો. રેપો રેટમાં વધારાને કારણે લોન સતત મોંઘી થઈ રહી છે.
RBIના દરો વધારવાથી તમારા ખિસ્સા પર કેટલો બોજ વધશે?
જો RBI આજે વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લે છે અને રેપો રેટમાં 0.35 ટકા અથવા 35 બેસિસ પોઈન્ટનો વધારો કરે છે, તો તમારી લોનની EMIમાં પણ સારો વધારો જોવા મળી શકે છે. રેપો રેટ હાલમાં 5.90 ટકા છે અને જો તેમાં 0.35 ટકાનો વધારો થશે તો તે વધીને 6.25 ટકા થશે.