RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
આરબીઆઈ ગવર્નરે બેન્કોને ગ્રાહકો માટે જાગૃતિ અભિયાનને વધુ ઝડપી બનાવવા, તેમને શિક્ષિત કરવા અને ડિજિટલ ફ્રોડ રોકવા માટેના પગલા લેવાનું કહ્યું છે.
RBI Update: બેન્કિંગ ક્ષેત્ર (Banking Sector) ના નિયમનકાર ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank Of India) ના ગવર્નર શક્તિકાંત દાસે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોને મ્યૂલ એકાઉન્ટ્સ વિરુદ્ધ પોતાની કાર્યવાહીને વધુ ઝડપી કરવાનો આદેશ આપ્યો છે. આરબીઆઈ ગવર્નરે બેન્કોને ગ્રાહકો માટે જાગૃતિ અભિયાનને વધુ ઝડપી બનાવવા, તેમને શિક્ષિત કરવા અને ડિજિટલ ફ્રોડ રોકવા માટેના પગલા લેવાનું કહ્યું છે.
મ્યૂલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવા સૂચના
3 જૂલાઈ, 2024ના રોજ આરબીઆઈ ગવર્નરે મુંબઈમાં જાહેર ક્ષેત્રની બેન્કો અને ખાનગી બેન્કોના મેનેજિંગ ડિરેક્ટર્સ અને સીઈઓ સાથે બેઠક યોજી હતી. અને એ જ બેઠકમાં આરબીઆઈ ગવર્નરે મ્યૂલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. મ્યૂલ એકાઉન્ટ્સ એવા બેન્ક ખાતા છે જેના દ્વારા અનૈતિક રીતે કમાયેલા નાણાં પ્રાપ્ત અથવા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ગેરકાયદેસર રીતે પૈસા ટ્રાન્સફર કરવાનું સરળ બનાવે છે.
બેન્કોની કામગીરીમાં સુધારો
બેઠકમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે, બેન્કોની એસેટ ગુણવત્તા, લોનની પ્રોવિઝનિંગ, કેપિટલ એડિક્વેસી રેશિયો અને બેન્કોના નફામાં સતત સુધારો થઈ રહ્યો છે. બેન્કિંગ સેક્ટરની મજબૂતાઈ અને વધુ સુગમતાનો ઉલ્લેખ કરીને તેમણે બેન્કોમાં ગવર્નન્સના ધોરણો, રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસ અને કમ્પલાયન્સ કલ્ચરને વધુ મજબૂત કરવા પર ભાર મુક્યો હતો. આરબીઆઈ ગવર્નરે બેન્કો પર સાયબર સુરક્ષા નિયંત્રણો સુધારવા અને થર્ડ પાર્ટી રિસ્ક વધુ સારી રીતે વ્યવહાર કરવા પર ભાર મૂક્યો હતો.
ડિજિટલ ફ્રોડ વધવા પર પણ ચર્ચા
બેઠકમાં બેન્કોમાં ક્રેડિટ-ડિપોઝીટમાં અંતર, લિક્વિડિટી રિસ્ક મેનેજમેન્ટ અને ALM સંબંધિત મુદ્દાઓ અને અનસિક્યોર્ડ રિટેલ લેન્ડિંગના ટ્રેડ પર ચર્ચા થઇ હતી. મીટિંગમાં સાયબર સિક્યોરિટી, થર્ડ પાર્ટી રિસ્ક અને ડિજિટલ ફ્રોડ સાથે ડીલ કરવા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગમાં MSME ને વધુ ધિરાણ પ્રદાન કરવા, ક્રોસ બોર્ડર ટ્રાન્જેક્શન માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરવા પર ભાર મૂકવાની સાથે નવીનતા સાથે સંબંધિત આરબીઆઈની પહેલોમાં બેન્કોની ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો.