(Source: ECI/ABP News/ABP Majha)
રિલાયન્સને માર્ચ ક્વાર્ટરમાં 13,227 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો, 75,000 લોકોને રોજગારી આપી
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે “ઓઈલ ટુ કેમિકલ અને રિટેલ સેગમેન્ટમાં અમે નોંધપાત્ર રિકવરી દર્શાવી છે અને ડિજિટલ સર્વિસીઝ બિઝનેસમાં પણ નોંધપાત્ર ગ્રોથ થયો છે.”
મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૩૧,માર્ચ ૨૦૨૧ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકના પ્રોત્સાહક પરિણામ હાંસલ કર્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૧૦૮.૪ ટકા વધીને રૂ.૧૩,૨૨૭ કરોડ થયો છે. જ્યારે આવક ૧૧ ટકા વધીને રૂ.૧,૫૪,૮૯૬ કરોડ હાંસલ કરી છે. કંપનીએ પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો ૩૪.૮ ટકા વધીને રૂ.૫૩,૭૩૯કરોડ અને આવક ૧૮.૩ ટકા ઘટીને રૂ.૫,૩૯,૨૩૮ કરોડ હાંસલ કરાઈ છે. કંપનીએ શેર દીઠ રૂ.૭ ડિવ ડિવિડન્ડ આપવાનું જાહેર કર્યું છે.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે “ઓઈલ ટુ કેમિકલ અને રિટેલ સેગમેન્ટમાં અમે નોંધપાત્ર રિકવરી દર્શાવી છે અને ડિજિટલ સર્વિસીઝ બિઝનેસમાં પણ નોંધપાત્ર ગ્રોથ થયો છે.” કોરોનાને કારણે અનેક લોકોએ આજીવિકા ગુમાવી છે ત્યારે રિલાયન્સે 75,000 નવી નોકરીઓનું સર્જન કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો માર્ચના ક્વાર્ટરનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂપિયા 13,227 કરોડ થયો હતો, જે ગત વર્ષના આ ગાળાના પ્રોફિટ કરતાં 108.4 ટકાનો વધારો દર્શાવે છે. માર્ચના ક્વાર્ટરમાં કંપનીએ અમેરિકામાં શેલ એસેટ્સ વેચી તેના પેટે 797 કરોડ રૂપિયાનો એક્સેપ્શનલ આઈટમનો પણ સમાવેશ છે.
રિલાયન્સના ઑઇલ ટુ કેમિકલ્સ (ઓટુસી) બિઝનેસની આવક ૪.૪ ટકા વધીને ૧.૦૧ ટ્રિલ્યન રૂપિયા થઈ છે. ડિજિટલ સર્વિસિસની આવક ૨૨,૬૨૮ કરોડ રૂપિયા થઈ છે. જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં જિયો પ્લૅટફૉર્મનો ચોખ્ખો નફો ૩૫૦૮ કરોડ રૂપિયા થયો છે, જે પાછલા વર્ષે સમાન ગાળામાં થયેલા ૨૩૭૯ કરોડના નફાની સરખામણીએ ૪૭ ટકા વધારે છે. કામકાજની તેની આવક ૧૮,૨૭૮ કરોડ રૂપિયા થઈ છે.
નોંધનીય રીતે જિયો પ્લૅટફૉર્મ પર ગત ક્વૉર્ટરમાં ૩.૧૨ કરોડ ગ્રાહકોનો ઉમેરો થયો હતો. સમગ્ર નાણાકીય વર્ષમાં કુલ ૯.૯૩ કરોડ ગ્રાહકોનો ઉમેરો થયો હતો. તેની એવરેજ રેવન્યુ પર યુઝર પ્રતિ મહિને ૧૩૮.૨ રૂપિયા થઈ છે.
ગયા વર્ષે માર્ચના ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 6348 કરોડ રૂપિયા હતો. ત્રિમાસિક ધોરણે નફો 1 ટકા વધ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફિટ 13,101 કરોડ રૂપિયા હતો. રિલાયન્સની કોન્સોલિડેટેડ આવક માર્ચના ક્વાર્ટરમાં 13.6 ટકા વધીને 1,72,095 કરોડ રૂપિયા થઈ હતી. ત્રિમાસિક ધોરણે તેમાં 24.9 ટકાનો વધારો થયો હતો.