Reliance Jio: 2025માં થશે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોનું લિસ્ટિંગ, આ રિપોર્ટમાં કરાયો દાવો
બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે પ્રમોટર્સ જિયોને પેરન્ટ કંપનીમાંથી ડિમર્જર કરીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરે તેવી શક્યતા વધુ છે.
Reliance Jio Listing: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપની જિયો 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરીઝે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લઈને રિસર્ચ નોટ જાહેર કરી છે જેમાં આ દાવો કરવામાં આવ્યો છે. બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે પ્રમોટર્સ જિયોને પેરન્ટ કંપનીમાંથી ડિમર્જર કરીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરે તેવી શક્યતા વધુ છે.
Jioના લિસ્ટિંગની અસર RILના શેર પર જોવા મળશે.
Jefferies અનુસાર, જો Jio સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય છે તો કંપનીને 112 બિલિયન ડોલરનું વેલ્યુએશન મળી શકે છે. જો Jio ને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગથી લિસ્ટ કરવામાં આવે છે તો કંપનીનો સ્ટોક 3580 રૂપિયા સુધી જઈ શકે છે, એટલે કે રોકાણકારોને વર્તમાન સ્તરથી 15 ટકા વળતર મળવાની શક્યતા છે. આજના કારોબારમાં આ અહેવાલ પછી રિલાયન્સનો શેર 0.87 ટકાના વધારા સાથે 3194.40 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
શું રિલાયન્સ જિયોનો IPO આવશે?
Jefferies એ પોતાના રિપોર્ટમાં એ શક્યતાઓને શોધવાનો પ્રયાસ કર્યો છે કે જિયોની શેરબજારમાં લિસ્ટિંગ આઇપીઓ જાહેર કરીને કરવામાં આવશે અથવા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી જિયોને અલગ કરીને તેને લિસ્ટ કરવામાં આવશે. આના સંદર્ભમાં જેફરીઝે સ્પિન-ઓફ અથવા આઇપીઓના મારફતે નામથી રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં IPO રૂટ મારફતે જિયોનું લિસ્ટિંગ અંગે કહેવામાં આવ્યું હતું કે Jioમાં 33.7 ટકા માઇનોરિટી શેરહોલ્ડિંગ છે જે IPOની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, આવી સ્થિતિમાં રિલાયન્સ 10 ટકા હિસ્સો લિસ્ટ કરી શકે છે. ઉપરાંત, Jio તેના કેપેક્સ તબક્કાથી આગળ વધી ગયું છે, તેથી સમગ્ર IPO માઇનોરિટી શેરહોલ્ડર્સ તરફથી ઓફર ફોર સેલ હોઇ શકે છે. IPOમાં 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવો પડે છે, આવી સ્થિતિમાં IPOમાં રિટેલ રોકાણકારોની મોટી ભાગીદારી જરૂરી રહેશે અને રિટેલ હિસ્સો જે સબસ્ક્રાઈબ થઈ શક્યો નથી તે સંસ્થાકીય અને બિન-સંસ્થાકીય રોકાણકારોને ફાળવી શકાય છે. આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ Jioમાં મેઝોરિટી કંન્ટ્રોલ સ્ટેક જાળવી રાખશે.
જેફરીઝએ કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયોના આઇપીઓ મારફતે અથવા 2023માં જે રીતે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝને ડિમર્જર કરી લિસ્ટ કરાવ્યું હતું એ જ રીતે જિયોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડથી અલગ કરીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવી શકે છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોને તેમની પાસે રહેલા રિલાયન્સના શેરના પ્રમાણમાં Jio શેર ફાળવવામાં આવશે. જેનાથી હોલ્ડિંગ કંપનીના ડિસ્કાઉન્ટથી બચી શકાશે. સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો માટે વધુ સારી કિંમતને અનલૉક કરવામાં પણ મદદ કરશે. લિસ્ટિંગ પછી પ્રમોટર હોલ્ડિંગ ઘટીને 33.3 ટકા થઈ જશે. જો કે, Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના લિસ્ટિંગ પર પ્રમોટરનો હિસ્સો ઘટીને 45.8 ટકા થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરોના મજબૂત પ્રદર્શન પછી એવું લાગે છે કે પ્રમોટરો જિયોને પેરન્ટ કંપનીમાંથી અલગ કરી તેને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરી શકે છે.