સોનામાં ઉતાર-ચડાવ યથાવત, શું ખરીદી માટે આ યોગ્ય સમય છે – જાણો શું કહે છે એક્સપર્ટ્સ
એમસીએક્સ પર ઓગસ્ટનો વાયદો ઉછાળા સાથે 47908 રૂપિયા અને 3 ડિસેમ્બરનો વાયદો 48084 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
સોનામાં વિતેલા વર્ષે ઓગસ્ટમાં રેકોર્ડ ઉંચાઈ પર ભાવ પહોંચી ગયા હતા પંરતુ ત્યાર બાદથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે વિતેલા કેટલાક સમયથી ડોલર નબળો પડવા અને માગ વધવાને કારણે નોન એગ્રી કોમોડિટીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ઉપરાંત વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટને લઈને ચિંતા વધી રહી છે. એવામાં સોનામાં રોકામને લઈને ફરીથી એક વર્ષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, સોનામાં રોકાણનો આ સારો સમય છે કારણ કે હાલમાં સોનાનો ભાવ તેની રેકોર્ડ સપાટીથી અંદાજે 9500-10000 રૂપિયા ઓછા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આ વર્ષે 2021ના અંત સુધીમાં ભાવ 52 હજારની સપાટી સુધી જઈ શકે છે. જ્યારે એકથી દોઢ મહિનાની વાત કરીએ તો સોનાના ભાવ 50 હજારની સપાટી સુધી જઈ શકે છે.
એમસીએક્સ પર ઓગસ્ટનો વાયદો ઉછાળા સાથે 47908 રૂપિયા અને 3 ડિસેમ્બરનો વાયદો 48084 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. દિલ્હીમાં આજે સોનામાં હાજરમાં ભાવ 47140 રૂપિયા પ્રતિ દસ ગ્રામ (22 કેરેટ) હતા. કોમેક્સ પર સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને તે 1814 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન ૫૮,૫૭૩ કરોડ રૂપિયાની સોનાની આયાત નોંધાઈ છે. ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ સોનાની આયાતમાં ૧૦ ગણાથી પણ વધુની વૃદ્ધિ નોંધાઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સમાન સમયગાળા દરમિયાન સોનાની આયાત ૫,૨૦૮ કરોડ રૂપિયા નોંધાઈ હતી. ભારતમાં દર વર્ષે ૭૦૦-૮૦૦ ટન સોનાનો વપરાશ થાય છે જેમાંથી એક ટનનું ઉત્પાદન ભારતમાં થાય છે અને બાકી રહેલની આયાત કરવામાં આવે છે.
દેશમાં સોનાની આયાત ૨૦૨૦માં ૩૪૪.૨ ટન થઇ હતી જે ગતવર્ષની સરખામણીએ ૪૭ ટકા ઓછી છે. ૨૦૧૯માં તે ૬૪૬.૮ ટન હતી.
નિષ્ણાંતોના મતે અમેરિકાના અર્થતંત્રમાં સ્લોડાઉન જોવા મળી રહ્યું છે જેના કારણે સોના તરફ આકર્ષણ વધી રહ્યું છે. ઉપરાંત આગામી કેટલાક મહિનામાં તહેવાલ અને લગ્નની સીઝનને કારણે સોનાની ફિઝિકલ માગ વધવાની છે. તેના કારણે આગામી સમયમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે.
(નોંધ: આ આર્ટિકલ માત્ર જાણકારી માટે છે. રોકાણ સાથે જોડાયેલ કોઈપણ નિર્ણય કરતાં પહેલા તમારા સલાહકારનો સંપર્ક જરૂર કરો.)