ઓટો-FMCG અને મિડકેપ શેરમાં કડાકાને પગલે શેરબજારમાં હાહાકાર, રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: ઓટો અને એફએમસીજી કંપનીઓના નબળા પરિણામોને કારણે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
Stock Market Closing On 17 October 2024: ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજારમાં રોકાણકારોના વેચાણને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજાજ ઓટો સહિત અન્ય ઓટો શેરોમાં ઘટાડાને કારણે આ સુનામી આવી છે. આ ઉપરાંત એફએમસીજી અને બેન્કિંગ શેરોમાં પણ મોટું વેચાણ જોવા મળ્યું. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ આ ઘટાડાની અસર હેઠળ આવ્યા છે. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 500 પોઇન્ટ ઘટીને 81,006 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 221 પોઇન્ટના ઘટાડા સાથે 24,750 પોઇન્ટ્સ પર બંધ રહ્યો છે.
વધનારા-ઘટનારા સ્ટોક્સ
સેન્સેક્સના 30 શેરોમાંથી 9 સ્ટોક્સ વધારા સાથે અને 21 ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 9માં વધારો અને 41માં ઘટાડો નોંધાયો. વધારો નોંધાવનારા શેરોમાં ઇન્ફોસિસ 2.84%, ટેક મહિન્દ્રા 2.81%, પાવર ગ્રિડ 1.21%, એસબીઆઈ 0.73%, રિલાયન્સ 0.19%ના વધારા સાથે બંધ થયા. ઘટાડો નોંધાવનારા શેરોમાં બજાજ ઓટો 13.11%, શ્રીરામ ફાઇનાન્સ 4.11%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.52%, નેસ્લે 3.44%, હીરો મોટોકોર્પ 3.39%ના ઘટાડા સાથે બંધ થયા.
સેક્ટોરલ અપડેટ
આજના કારોબારમાં સૌથી મોટી અસર ઓટો શેરો પર પડી છે. બજાજ ઓટોની આગેવાનીમાં નિફ્ટીનો ઓટો ઇન્ડેક્સ 928 પોઇન્ટ અથવા 3.58%ના ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટીના FMCG ઇન્ડેક્સમાં 1,017 અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સ્ટોક્સમાં વેચાણને કારણે નિફ્ટીના આ સેક્ટરનો ઇન્ડેક્સ 945 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટી બેંક 512 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. આ ઉપરાંત ફાર્મા, મેટલ્સ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર સેક્ટરના શેરો પણ નીચા ભાવે બંધ થયા. નિફ્ટીનો મિડકેપ ઇન્ડેક્સ 986 અને સ્મોલકેપ ઇન્ડેક્સ 239 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. માત્ર IT શેરોમાં વધારો જોવા મળ્યો છે.
રોકાણકારોને 6 લાખ કરોડનું નુકસાન
ભારતીય શેર બજારમાં આવેલા તીવ્ર ઘટાડાને કારણે ગુરુવારના સેશનમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 457.26 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે, જે અગાઉના સેશનમાં 463.29 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. આજના સેશનમાં રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.27 ટકા વધીને 74.42 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. બુધવારે સતત બીજા દિવસે ઘટીને BSE સેન્સેક્સ 318.76 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટીને 81,501.36 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 86.05 પોઈન્ટ અથવા 0.34 ટકા ઘટીને 24,971.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
આ પણ વાંચોઃ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત, સરકાર આટલા દિવસનું બોનસ આપશે