સોફ્ટ ડ્રીન્ક્સથી લઈને સીગારેટ સુધી, પહેલા નોરતેથી 40 સ્લેબના કારણે મોંઘી થઈ જશે આ વસ્તુઓ, જુઓ લીસ્ટ
New GST Rates: નવા GST દરો 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત સાથે અમલમાં આવશે. નવા દરો લાગુ થયા પછી મોટાભાગની રોજિંદા વસ્તુઓ સસ્તી થઈ જશે.
New GST Rates: નવા GST દરો 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત સાથે અમલમાં આવશે. નવા દરો લાગુ થયા પછી મોટાભાગની રોજિંદા વસ્તુઓ સસ્તી થઈ જશે. જોકે, જો તમે ઠંડા પીણા અને સીગારેટના શોખીન છો, તો તમને આંચકો લાગી શકે છે. આ દિવસથી ઠંડા પીણાં અને સીગારેટ વધુ મોંઘા થશે.
નવા રજૂ થયેલા 40% જીએસટી સ્લેબ હેઠળ ઘણી પ્રીમિયમ પ્રોડક્ટ્સ મોંઘી થશે. આ નવા સ્લેબ હેઠળ, તમામ પ્રકારના સોફ્ટ ડ્રીન્ક્સ, કાર્બોનેટેડ પીણાં, કેફીનયુક્ત પીણાં અને નોન-આલ્કોહોલિક ફ્લેવર્ડ ડ્રિંક્સ પર સૌથી વધુ જીએસટી લાગશે. આમાં બજારમાં મળતા અનેક પ્રકારના સોફ્ટ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સનો સમાવેશ થાય છે.
40% ટેક્સ લક્ઝરી વાહનો પર પણ લાગુ થશે. આમાં 1,200cc થી વધુ એન્જિન ક્ષમતા અને 4,000 mm થી વધુ લંબાઈવાળી કાર તેમજ 350cc થી વધુની મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં સામાન્ય રીતે હાઇ-એન્ડ સેડાન, એસયુવી અને પ્રીમિયમ બાઇકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વ્યક્તિગત ઉપયોગ માટેના લક્ઝરી વાહનો જેમ કે યાટ, ખાનગી વિમાનો અને રેસિંગ કાર પણ આ જ ઉચ્ચ ટેક્સ સ્લેબ હેઠળ આવશે. જોકે, આ વાહનોનો ઉપયોગ માત્ર વ્યક્તિગત અથવા મનોરંજનના હેતુ માટે થાય તો જ 40% ટેક્સ લાગશે, જ્યારે વ્યાવસાયિક ઉપયોગ માટે તેના પર આ ટેક્સ લાગશે નહીં.
40% GST સ્લેબ (11 સપ્ટેમ્બરથી તાત્કાલિક અમલમાં) હેઠળ આવનારી બધી વસ્તુઓની યાદી:
- એરાટેડ વોટર
- કાર્બોનેટેડ પીણાં
- કેફીનયુક્ત પીણાં
- નોન આલ્કોહોલિક ફ્લેવર્ડ ડ્રીન્ક
- સોફ્ટ ડ્રિંક્સ
- એનર્જી ડ્રિંક્સ
- 1200 સીસીથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી કાર
- 4000 મીમીથી વધુ લાંબી કાર
- 350 સીસીથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી મોટરસાયકલો
- યાટ્સ (વ્યક્તિગત ઉપયોગ માટે)
- પ્રાઈવેટ વિમાન (વ્યક્તિગત ઉપયોગ માટે)
- રેસિંગ કાર (વ્યક્તિગત ઉપયોગ માટે)
40% GST પર કર લાદવામાં આવનારી વસ્તુઓની યાદી:(લોન ચુકવણી પછી)
- પાન મસાલા
- ગુટખા
- સિગારેટ
- ચાવવાની તમાકુ
- જરદા
- કાચી તમાકુની
- બીડી
પાન મસાલા, સિગારેટ અને તમાકુ જેવા પાપકારક ઉત્પાદનો પર 40% GST ટેક્સ લાગશે
આ 40%નો સ્લેબ પાન મસાલા, ગુટખા, સિગારેટ, ચાવવાની તમાકુ, જરદા, કાચી તમાકુ અને બીડી જેવી 'સિન ગુડ્સ' માટે નક્કી કરવામાં આવ્યો છે, છતાં પણ આ ઉત્પાદનો પર તાત્કાલિક ધોરણે આ ઉચ્ચ ટેક્સ લાગુ કરવામાં આવશે નહીં.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે, જેઓ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ પણ છે, તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તમાકુ અને તેના સંબંધિત ઉત્પાદનો પરનો હાલનો ટેક્સ ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી વળતર-સંબંધિત હાલની લોન સંપૂર્ણપણે ચૂકવાઈ ન જાય. આ લોન કેન્દ્ર સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન રાજ્યોને જીએસટીની આવકના નુકસાનની ભરપાઈ કરવા માટે લીધી હતી. 'સિન ગુડ્સ', જેના પર મૂળ જીએસટી દર ઉપરાંત વળતર સેસ પહેલેથી જ લાગે છે, તેના પર હાલ આ જ વ્યવસ્થા હેઠળ ટેક્સ લાગતો રહેશે. નાણા પ્રધાન સીતારમણે જાહેરાત કરતા કહ્યું કે, "નવો 40% જીએસટી સ્લેબ આખરે 'સિન ગુડ્સ' પર લાગુ થશે, પરંતુ તે મહામારી-સંબંધિત આવકના વળતર માટે લેવાયેલી લોન અને તેના વ્યાજની સંપૂર્ણ ચુકવણી પછી જ લાગુ થશે."





















