(Source: ECI/ABP News/ABP Majha)
Maruti Suzuki Q3 Results: શેરબજારમાં ધોવાણ વચ્ચે મારુતિના શેરમાં કેમ આવ્યો ઉછાળો ?
Maruti Suzuki Q3 Results: મારુતિ સુઝુકીના સારા પરિણામોને કારણે શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મારુતિનો શેર 7 ટકાના વધારા સાથે 8600 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
Maruti Suzuki Q3 Results: શેરબજારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી નિરાશાજનક માહોલ છે. સેન્સેક્સમાં બોલી રહેલા કડાકાના કારણે રોકાણકારોમાં ફફડાટ છે. જોકે તેમ છતાં મારુતિના શેરમાં ઉછાળો આવ્યો છે. દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ 2021-22ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો અનુસાર મારુતિના નફામાં 48 ટકાનો ઘટાડો થયો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ત્રીજા ક્વાર્ટરમાં મારુતિનો નફો 1042 કરોડ રૂપિયા રહ્યો છે. મારુતિ સુઝુકીના પરિણામો બજારના અનુમાન કરતા સારા જણાવવામાં આવી રહ્યા છે, જેના કારણે પરિણામોની જાહેરાત બાદ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મારુતિનો શેર 6.48 ટકાના વધારા સાથે 8573 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો નફો 1997 કરોડ રૂપિયા હતો, જે આ નાણાકીય વર્ષના ક્વાર્ટરમાં 48 ટકા ઘટીને 1042 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીની આવક રૂ. 23,253 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં એક ટકા ઓછી છે. આ પહેલા બીજા ક્વાર્ટરમાં મારુતિની આવક 20,551 કરોડ રૂપિયા હતી.
2021માં મારુતિ સુઝુકીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કાચા માલના ભાવમાં વધારા સાથે, કંપનીએ સેમિકન્ડક્ટરની અછતનો સામનો કર્યો છે, જેના કારણે ઉત્પાદન અને વેચાણ પર અસર પડી છે. જો કે, જાન્યુઆરી 2022 માં કિંમતોમાં વધારો કરીને, કંપનીએ ખર્ચમાં વધારો ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.