Tata Steel Layoffs: ટાટાની આ કંપની કરવા જઇ રહી છે છટણી, ત્રણ હજાર લોકો ગુમાવશે નોકરીઓ
Tata Steel Layoffs: ઘણી જાણીતી કંપનીઓ આ યાદીમાં સામેલ થઇ ગઇ છે. હવે ભારતની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ પણ કર્મચારીઓની છટણી કરવા જઇ રહી છે.
Tata Steel Layoffs: પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિ વચ્ચે કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. નવા વર્ષમાં પણ છટણીની આશંકાઓ સેવાઇ રહી છે. ઘણી જાણીતી કંપનીઓ આ યાદીમાં સામેલ થઇ ગઇ છે. હવે ભારતની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ પણ કર્મચારીઓની છટણી કરવા જઇ રહી છે.
બે બ્લાસ્ટ ફર્નેસ બંધ કરી રહી છે
ટાટા સ્ટીલ તેના યુકે યુનિટમાં આ છટણી કરવા જઈ રહી છે. એપીના અહેવાલ મુજબ, ટાટા સ્ટીલ તેના પોર્ટ ટેલ્બોટ સ્ટીલવર્કસ યુનિટમાં બે બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવા જઈ રહી છે. આ યુનિટ વેલ્સ બ્રિટનમાં આવેલું છે. બે બ્લાસ્ટ ફર્નેસ બંધ થવાથી કંપનીના લગભગ 3 હજાર કર્મચારીઓને અસર થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તે 3 હજાર કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે.
જોકે, કંપનીએ હજુ સુધી આ વાતની પુષ્ટી કરી નથી. કંપનીએ છટણી અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. વર્કર્સ યુનિયન તરફથી પણ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી. ન્યૂઝ એજન્સી એપીએ દાવો કર્યો હતો કે ટાટા સ્ટીલ શુક્રવારે તેની બે બ્લાસ્ટ ફર્નેસને બંધ કરવાની જાહેરાત કરશે. તેની સાથે કંપની બ્લાસ્ટ ફર્નેસ બંધ થવાથી જે કર્મચારીઓને અસર થશે તેની માહિતી પણ આપશે.
ટાટા સ્ટીલે બે બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવાનો નિર્ણય લેતા પહેલા કામદાર યુનિયન સાથે બેઠક પણ કરી હતી. વાસ્તવમાં, કંપની ગ્રીનર મેટલ પ્રોડક્શનની કામગીરી માટે ફાઇનાન્સ આપવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ યુનિટમાં કામ કરતા કામદારો પર ઘણા સમયથી છટણીની તલવાર લટકી રહી હતી પરંતુ અત્યાર સુધી તેમની નોકરીને બચાવી શકાઇ હતી.
સરકાર તરફથી સમર્થન મળતું હતું
પોર્ટ ટેલ્બોટ સ્ટીલવર્કસ એ બ્રિટનનું સૌથી મોટું સ્ટીલ પ્રોડક્શન યુનિટ છે. બ્રિટિશ સરકાર દ્વારા તેની કામગીરી જાળવવા અને તેના કર્મચારીઓને છટણીથી બચાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી હતી. ગયા વર્ષના અંતે સરકારે યુનિટને 500 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 5,300 કરોડ રૂપિયાની મદદ કરી હતી. જો કે, તે સમયે સરકારે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે હજુ પણ 3000 લોકોની નોકરી જોખમમાં છે.