(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Impact: કોરોનાએ નોકરીયાત વર્ગની કમર ભાંગી નાખી, એપ્રિલ-ડિસેમ્બર 2020માં 71 લાખ PF ખાતા બંધ થયા
નાણામંત્રી નિર્મલા સીતારમણે માર્ચ 2020માં કોરોનાકાળને ધ્યાનમાં રાખીને ઈપીએફમાંથી રૂપિયા ઉપાડવાના નિયમોમાં છૂટ આપી હતી.
નવી દિલ્હીઃ કોરોના મહામારીએ દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ બગાડી નાખી છે તે વાત કોઈથી છુપાયેલી નથી. જીડીપીના આંકડા હોય કે પછી રેકોર્ડ બેરોજગારી દર, બધી બાજુથી આમ આદમી પર કોરોનાનો માર પડ્યો છે. ત્યારે વધુ એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. નોકરીયાત વર્ગ પર કોરોનાની સૌથી ખરાબ અસર પડી છે.
ઈપીએફઓ (એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) અનુસાર એપ્રિલ-ડિસેમ્બર 2020ની વચ્ચે 71,01,929 ખાતા બંધ થયા, જ્યારે વર્ષ 2019માં આ આંકડો 66,66,563 હતો. વર્ષ 2020ની વાત કરીએ તો સૌથી વધારે પીએફ ખાતા ઓક્ટોબર (11,18,751) મહિનામાં બંધ થયા, ત્યાર બાદ સપ્ટેમ્બરમાં (11,18,517) પીએફ ખાતા બંધ થયા.
એપ્રિલ-ડિસેમ્બર 2020ની વચ્ચે ઉપાડ પણ વધ્યો
તેની સાથે જ ખૂબ જ જરૂરી સમય માટે બચાવી રાખેલ પીએ ફંડમાંથી ઉપાડનો આંકડો પણ વધ્યો છે. એપ્રિલ ડિેસમ્બર 2020ની વચ્ચે પીએફ ખાતામાંથી 73,498 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. વર્ષ 2019માં આ જ ગાળામાં આંકડો 55125 હતો. કેન્દ્ર સરકાર તરફથી આ જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમણે એક સવાલના જવાબમાં આપી છે.
જણાવીએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે માર્ચ 2020માં કોરોનાકાળને ધ્યાનમાં રાખીને ઈપીએફમાંથી રૂપિયા ઉપાડવાના નિયમોમાં છૂટ આપી હતી. એક ઈપીએફ ખાતાધારકને મૂળ પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થુમાંથી નોન રિફંડેબલ રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી. આ ખાતાની રકમ 75 ટકા અથવા ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થુ પણ (જે પણ ઓછું હોય) બરાબર હતી.
વિતેલા વર્ષની તુલનામાં પીએફમાં રોકાણ વધ્યું
બીજા એક સવાલના જવાબમાં શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે કહ્યું કે, વિતેલા કેટલાક વર્ષમાં ઈપીએફમાં રોકાણ વધ્યું છે. વર્ષ 2019-20માં ઈપીએફમાં કુલ 1.68 લાખ કરોડ રૂપિયા જમા હતા. જ્યારે વર્ષ 2018-19માં 1.41 લાખ કરોડ અને વર્ષ 2017-18માં 1.26 લાખ કરોડ રૂપિયા જમા હતા. આ મહિનાની શરૂઆતમાં ઈપીએફઓએ નાણાંકીય વર્ષ 2020-21 માટે પીએફના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાંકીય વર્ષ 2021-21માં પીએફ ખાતાધારકોને વિતેલા વર્ષની જેમ જ 8.5 ટકા વ્યાજ દર રાખવાનોન નિર્ણય કરવામાં આવ્યો છે.