![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Patan: નકલી તબીબ અને ફાર્માસિસ્ટે સાથે મળીને એક લાખ 20 હજારમાં નવજાત બાળકને વેંચી માર્યુ હતું
![પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો Patan Fake doctor and pharmacist together sold a newborn baby for 1 lakh 20 thousand પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/a22afd03c92493fd6754a822510bc057173250998172474_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Patan: પાટણ જિલ્લામાંથી નવજાતની સોદાબાજીનો મોટો પર્દાફાશ થયો હતો. નકલી તબીબ અને ફાર્માસિસ્ટે સાથે મળીને એક લાખ 20 હજારમાં નવજાત બાળકને વેંચી માર્યુ હતું. સાંતલપુર તાલુકાના કોરડાનો સુરેશ ઠાકોર નામનો નકલી તબીબ પાટણ જિલ્લા એસઓજીના હાથ ઝડપાયો હતો. પોલીસ તપાસમાં નકલી તબીબ સુરેશ ઠાકોરે એક નવજાતનો એક લાખ 20 હજારમાં સોદો કર્યાનો પર્દાફાશ થયો હતો. નીરવ મોદી નામના શખ્સે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર પાટણની નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ હોસ્પિટલમાં ઘણા અનાથ બાળકો હોવાથી તેમને દત્તક લેવાનું કહ્યું હતુ. નીરવ મોદીએ હા પાડતા થોડા સમય બાદ નિષ્કા હોસ્પિટલમાં નોકરી કરતા અમરત રાવળે નીરવ મોદીને ફોન કરીને એક અનાથ બાળક આવ્યું હોવાનુ કહ્યુ હતું. નીરવ મોદીએ હોસ્પિટલમાં જઈ આઈસીયુમાં રખાયેલ બાળકને દત્તક લેવાની હા કહેતા બાળકની કિંમત વેચાણ માટે એક લાખ 20 હજાર નક્કી કરાઈ હતી. જેમાં આ બાળક સાંતલપુરના કોરડા ગામનો નકલી તબીબ સુરેશ ઠાકોર લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સોદા મુજબ નીરવ મોદીએ 50 હજાર આપીને બાળક લીધુ હતુ અને જન્મનું પ્રમાણપત્ર આવ્યા બાદ બાકીના નાણા આપવાનું નક્કી થયું હતુ. થોડા દિવસ બાદ બાળકના માથામાં પાણી ભરાતુ હોવાનું નિદાન થતા નીરવ મોદીએ આ બાળક લેવાનો ઈનકાર કર્યો હતો અને રૂપિયા પરત માંગ્યા હતા. જેમાં બોગસ તબીબ સુરેશ ઠાકોર અને તેના સાગરિતોએ આ બીમાર બાળકને પરત લઈ લીધું હતું. જો કે રૂપિયા પરત ન આપતા આખરે નીરવ મોદીએ પોલીસ ફરિયાદ કરી હતી. બાળકની તસ્કરીના આ કેસમાં નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજી અને અમરત રાવળની મોટી ભૂમિકાનો પર્દાફાશ થયો છે. અત્યાર સુધીમાં આ ત્રણેય ત્રિપુટીએ કેટલાક બાળકોને આ રીતે વેચ્યા તેની પણ પોલીસ તપાસ થાય તે જરૂરી છે.
બોગસ તબીબ સુરેશ ઠાકોર રાજકીય વગ ધરાવતો હોવાનો પણ ખુલાસો થયો હતો. સુરેશ ઠાકોરના ભાજપ નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાથેના ફોટો વાયરલ થયા છે. તો સુરેશ ઠાકોર ભાજપનો પણ સભ્ય હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત પાટણ ભાજપના અનેક કાર્યક્રમોમાં મંચ પર હાજરીના પણ ફોટો વાયરલ થયા છે. આ મામલે અલ્પેશ ઠાકોરે કહ્યું કે રાજકીય પ્રતિનિધી હોવાના કારણે અનેક લોકો તસવીર પડાવે છે.કોઈના ચહેરા પરથી કેવો વ્યકિત છે તે કેવી રીતે અનુમાન લગાવી શકાય. વાવ, સૂઈગામ અને ભાભરમાં પણ અનેક લોકોએ મારી સાથે ફોટો ખેંચાવ્યા છે. અંતમાં આવી કોઈ વ્યકિતને પોતે જાણતા ન હોવાનો દાવો કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)