US Fed: યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ફરી કર્યો વધારો, 22 વર્ષની ટોચે પહોંચ્યો
US Federal Reserve Hike Rates: યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે અને બેન્ચમાર્ક ધિરાણ દરમાં ફરીથી વધારો કર્યો છે. હવે તે 5.25-5.50 ટકાની રેન્જમાં આવી ગયો છે.
US Federal Reserve Hike Rates: યુએસ ફેડરલ રિઝર્વની ગઈકાલે મળેલી બેઠકમાં ફરી એકવાર વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે અને તે 22 વર્ષની ટોચે પહોંચી ગયો છે. FOMC મીટિંગમાં, બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે અને તે 5.25-5.50ની રેન્જમાં આવ્યો છે. અગાઉ વર્ષ 2001માં ફેડના વ્યાજ દરો આ સ્તરની નજીક હતા અને 2001 પછી તે સર્વોચ્ચ સ્તરે છે. યુએસ ફેડરલ રિઝર્વે દેશમાં વધતી જતી મોંઘવારીનો સામનો કરવા માટે આ નિર્ણય લીધો છે.
12માંથી 11 બેઠકોમાં વ્યાજદરમાં વધારો થયો છે
આર્થિક નિષ્ણાતોએ પહેલેથી જ અનુમાન લગાવ્યું હતું કે આ વખતે ફેડરલ રિઝર્વ ફરી એકવાર વ્યાજદર વધારશે અને એવું થયું. ફેડરલ રિઝર્વની 12 બેઠકોમાંથી આ 11મી વખત છે જ્યારે બેન્ચમાર્ક ધિરાણ દરમાં વધારો કરવામાં આવ્યો છે. માર્ચ 2022થી યોજાયેલી 12 બેઠકોમાંથી 11માં યુએસ ફેડએ વ્યાજદરમાં વધારો કર્યો છે.
જૂનની બેઠકમાં જ સંકેતો મળ્યા હતા
ગયા વર્ષથી જ યુએસ ફેડએ વ્યાજદરમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને અહીં આ નિર્ણયો નાણાકીય નીતિની કડકાઈ હેઠળ લેવામાં આવી રહ્યા છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC), જે વ્યાજ દરો નક્કી કરે છે, તેણે તેની જૂન 2023ની મીટિંગમાં આનો સંકેત આપ્યો હતો અને તે સમયે દરમાં વધારો કર્યો ન હતો.
ફેડએ આ વર્ષે વ્યાજદરમાં વધુ વધારાનો સંકેત આપ્યો છે. ફેડરલ રિઝર્વ બેંકના ચીફ જેરોમ પોવેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જ્યાં સુધી ફુગાવો નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી કેન્દ્રીય બેંક આવા પગલા લઈ શકે છે.
તેમણે કહ્યું કે અમે આર્થિક નીતિમાં સુધારો કરવાનું ચાલુ રાખીશું જ્યાં સુધી અમને ખાતરી ન થાય કે ફુગાવો 2 ટકાના અમારા લક્ષ્યાંક પર આવી ગયો છે. જો જરૂરી હોય તો, અમે તેને વધુ કડક કરવા તૈયાર છીએ. આ પ્રક્રિયામાં આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.
ફુગાવાને અંકુશમાં લેવા માટે, ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કર્યું. 18 મહિના પહેલા તે લગભગ શૂન્ય હતું. વ્યાજદરમાં વધારાને કારણે હોમ લોન અને અન્ય પ્રકારની લોન લોકો માટે મોંઘી થઈ ગઈ છે. સામાન્ય રીતે લોનની માંગ ઓછી હોય છે અને લોકો બચત કરવાનું શરૂ કરે છે. તેનાથી અર્થવ્યવસ્થા ધીમી પડી જાય છે. પરંતુ અમેરિકાની અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને જોબ માર્કેટનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. આમાં ઘણો વધારો થયો છે અને સાથે જ પગાર પણ વધ્યો છે.