ભારત પર ખતરો? બ્રાઝિલ પછી હવે અમેરિકા ભારત પર 500% ટેરિફ ઝીંકશે? ટ્રમ્પની નવી ચાલથી રશિયા....
ટ્રમ્પે બ્રાઝિલ પર 50% નો મોટો ટેરિફ લાદ્યો છે, જે BRICS દેશોમાં સૌથી વધુ ટેરિફ ધરાવતો દેશ છે.

US Russia sanction bill 2025: રાજકારણ ને વેપારની દુનિયામાં એક મોટી ખબર સામે આવી છે, જે સીધી આપણા ભારત પર અસર કરી શકે છે! અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે એક પછી એક એવા દેશો પર ભારે ટેરિફ (વેપાર કર) લાદીને દબાણ કરી રહ્યા છે, જેમણે અમેરિકા હારે વેપારના સોદામાં કઈં હરકત નથી કરી. આમાં, ટ્રમ્પે બ્રાઝિલ પર 50% નો મોટો ટેરિફ લાદ્યો છે, જે BRICS દેશોમાં સૌથી વધુ ટેરિફ ધરાવતો દેશ છે. પણ હવે વાત અહીં અટકતી નથી. લાગે છે કે રશિયાને રાજી કરવા માટે, ટ્રમ્પ ભારતને 'પ્યાદું' બનાવવાની રમત શરૂ કરી રહ્યા છે!
ભારતના બહાને રશિયાને ભીંસમાં લેવાની ચાલ!
ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ મોસ્કો પર પ્રતિબંધો લાદવા માટેના એક નવા કાયદા, એટલે કે 'રશિયા પ્રતિબંધ બિલ 2025' ને સમર્થન આપવાનું વિચારી રહ્યા છે. આ બિલ આ જ વર્ષના એપ્રિલ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા રજૂ કરાયું હતું. આ બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ દેશ રશિયા પાસેથી તેલ, યુરેનિયમ, ગેસ કે પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદશે, તો એના પર કડક દંડ લાદવામાં આવશે. આ બિલમાં તો ભારત ને ચીન જેવા દેશો પર રશિયા પાસેથી ઊર્જાના ઉત્પાદનો ખરીદવા પર 500 ટકા સુધીના ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂકાયો છે!
ખરેખર તો, આ પ્રસ્તાવિત કાયદાથી અમેરિકા યુક્રેન યુદ્ધને પૂરું કરાવવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેબિનેટની બેઠક દરમિયાન કીધું હતું કે તેઓ આ બાબત પર ખુબ જ ગંભીરતાથી વિચારી રહ્યા છે. એમણે કીધું કે, "એને લાગુ કરવું કે દૂર કરવું એ મારા પર નિર્ભર છે."
ખાલી ભારત-ચીનને જ કેમ નિશાન બનાવાય છે?
અમેરિકા આ બિલ દ્વારા ભારત ને ચીનને એટલા માટે નિશાન બનાવવા માંગે છે, કેમ કે આ બેય દેશો રશિયાનું લગભગ 70 ટકા તેલ ખરીદે છે. આ બિલના સમર્થનમાં અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રામ કહે છે કે, "જો તમે રશિયા પાસેથી ઉત્પાદનો ખરીદી રહ્યા છો, તો એનો મતલબ એ છે કે તમે યુક્રેનને મદદ નથી કરી રહ્યા." આવી સ્થિતિમાં, અમેરિકામાં તમારા ઉત્પાદનો પર 500 ટકા ટેરિફ લાદવામાં આવશે.
નોંધનીય છે કે એક દિવસ પહેલાં જ, એટલે કે બુધવારે, ટ્રમ્પે બ્રુનેઈ, ફિલિપાઇન્સ, અલ્જેરિયા, મોલ્ડોવા, ઇરાક, લિબિયા ને શ્રીલંકા તેમજ બ્રાઝિલ પર પણ ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ પછી તો આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી એકવાર ગડબડ ને અનિશ્ચિતતાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે ભારત આ નવા દબાણને કઈ રીતે પાર પાડે છે.





















