Sheikh Shahjahnan Handed Over to CBI:કોલકતા હાઇકોર્ટના 26 કલાક બાદ CBIને મળી શાહજહાં શેખની કસ્ટડી
કોલકતા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પોલીસે સંદેશખાલીના મુખ્ય આરોપી શાહજહાંને બુધવારે સાંજે 4.15 વાગ્યા સુધીમાં સીબીઆઈને સોંપવો, જોકે, બંગાળ પોલીસે અઢી કલાક મોડું કર્યું હતું.
Sheikh Shahjahnan Handed Over to CBI:સીબીઆઈ હવે પશ્ચિમ બંગાળના સંદેશખાલી હિંસા કેસમાં ફસાયેલા ટીએમસીના પૂર્વ નેતા શાહજહાં શેખની પૂછપરછ કરશે. કોલકાતામાં હાઈકોર્ટના નિર્ણય બાદ સીબીઆઈએ શાહજહાં શેખને પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે. ઈડી અધિકારીઓની ટીમ પર હુમલાના કેસમાં સીબીઆઈને શાહજહાં શેખની કસ્ટડી મળી છે. અગાઉ કોલકાતામાં શાહજહાં શેખને લઈને ઘણો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જ્યારે કોલકાતા હાઈકોર્ટે સીઆઈડીને શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો ત્યારે સીઆઈડીએ તેનો વિરોધ કર્યો. રાજ્ય સરકાર દ્વારા આ મામલો સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તરત જ તેની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી કેન્દ્રીય સુરક્ષા દળોની સાથે સીબીઆઈની ટીમ બંગાળ પોલીસ હેડક્વાર્ટર પહોંચી અને લગભગ ત્રણ કલાકની પૂછપરછ બાદ શાહજહાં શેખની અટકાયત કરી.
મેડિકલ બાદ કસ્ટડી મળી
કલકત્તા હાઈકોર્ટે સાંજે 4.15 વાગ્યા સુધીમાં સોંપણી કરવાનો આદેશ આપ્યો હતો, જો કે, તેમાં વિલંબ થયો અને સીબીઆઈને 7.45 વાગ્યાની આસપાસ શાહજહાં શેખની કસ્ટડી મળી. અગાઉ, કોલકાતામાં સીઆઈડીએ કસ્ટડી સોંપતા પહેલા શાહજહાં શેખનું મેડિકલ કરાવ્યું હતું. આ પછી શાહજહાંની કસ્ટડી સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, સીબીઆઈની ટીમ પશ્ચિમ બંગાળ પોલીસના મુખ્યાલયમાં હાજર રહી. ઈડી પર હુમલાના કેસમાં સીબીઆઈ શાહજહાં શેખની પૂછપરછ કરશે. રાજ્ય સરકારે બાકીના કેસોની તપાસ CIDને સોંપી છે. સંદેશખાલીમાં ઈડીની ટીમ પર હુમલા બાદ શાહજહાં શેખ ફરાર થઈ ગયો હતો.
શાહજહાં શેખ પર કુલ 42 કેસ છે
શાહજહાં શેખ કુલ 42 કેસમાં વોન્ટેડ છે. તેના પર 5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં ED ટીમ પર હુમલો કરવાનો પણ આરોપ છે. આ સિવાય શાહજહાં શેખ પર રાશન કૌભાંડમાં સામેલ હોવાના પણ આરોપો છે. આ તમામ કેસમાં સીબીઆઈ તપાસ કરશે. આ સિવાય સંદેશખાલીની મહિલાઓએ શાહજહાં શેખ અને તેના ત્રણ નજીકના સંબંધીઓ પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.