Kejariwal Arrest : CM કેજરીવાલે ACPને હટાવાની કરી માંગણી, કોર્ટ લઇ જતે વખતે દુરવ્યવહાર કર્યાની ફરિયાદ
દિલ્હી લિકર પોલિસી કેસના અન્ય એક આરોપી પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ અગાઉ આ જ એસીપી એકે સિંઘ વિરુદ્ધ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી.
Kejariwal Arrest :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હી પોલીસના એસીપી એકે સિંઘને તેમની સુરક્ષામાંથી હટાવવાની માંગ કરી છે. સીએમ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, કોર્ટમાં લાવવામાં આવતા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
જો કે, આ જ કેસમાં અન્ય એક આરોપી, દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પણ અગાઉ એ જ અધિકારી, એસીપી એકે સિંઘ વિરુદ્ધ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી.આ ઘટના ગયા વર્ષે બની હતી, જેમાં અધિકારી એકે સિંહ મનીષ સિસોદિયાનો કલર પકડીને ખેંચતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થયો હતો
આ પહેલા શુક્રવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં કોર્ટે અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે અને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.EDએ તેના રિમાન્ડ લેટરમાં દાવો કર્યો છે કે, "અરવિંદ કેજરીવાલ ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે એક્સાઇઝ પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા અને તે આ પોલિસી દ્વારા તેમને ફાયદો કરાવવાના બદલામાં દારૂના વેપારીઓ પાસેથી લાંચ લેતા હતા."
કેજરીવાલની ED દ્વારા ગુરુવારે રાત્રે મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ દિલ્હીના સિવિલ લાઇન્સમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી.EDનો આરોપ છે કે કેજરીવાલ 2022માં AAPના ગોવા ચૂંટણી પ્રચારમાં અપરાધથી કમાયેલા નાણાંના ઉપયોગમાં સીધા સામેલ હતા અને તે પાર્ટીના સંયોજક અને ટોચના નિર્ણય લેનાર છે.
એજન્સીએ કોર્ટને જણાવ્યું કે, તેણે ગોવાની ચૂંટણી દરમિયાન AAPની ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વિવિધ લોકોના નિવેદનો રેકોર્ડ કર્યા અને જાણવા મળ્યું કે તેમને સર્વે વર્કર્સ, એરિયા મેનેજર, એસેમ્બલી મેનેજર જેવા કામ માટે રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી..એજન્સીએ દાવો કર્યો હતો કે આ રકમ ચાર આંગડિયા સિસ્ટમ દ્વારા ગોવા મોકલવામાં આવી હતી. આંગડિયા નેટવર્ક મોટી માત્રામાં રોકડ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે.
EDએ કહ્યું, "અરવિંદ કેજરીવાલ દ્વારા મની લોન્ડરિંગનો ગુનો આચરવામાં આવ્યો છે. જે PMLAની કલમ 70 હેઠળ ગુનાઓ ગણવામાં આવ્યા છે."એજન્સીએ જણાવ્યું હતું કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે, કેજરીવાલ "ચૂંટણી ખર્ચ માટે ઉપયોગમાં લેવાતા નાણાં માટે આખરે જવાબદાર છે."
EDએ કહ્યું કે, લાંચ કથિત રીતે 'સાઉથ ગ્રુપ'ના સભ્યો દ્વારા લેવામાં આવી હતી, જેમાં ધરપકડ કરાયેલ BRS નેતા કે. કવિતા અને અન્ય કેટલાકનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેનો એક ભાગ AAPના ગોવા ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયો હતો.એજન્સીએ જણાવ્યું હતું કે કેજરીવાલે આ કેસમાં તપાસમાં જોડાવા માટે તેમને જાહેર કરાયેલા નવ સમન્સનો ' અનાદર કર્યો' હતો અને એક દિવસ અગાઉ PMLA હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે સત્ય જાહેર કર્યું ન હતું.
ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કેજરીવાલના નામનો અનેક વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓ એક્સાઇઝ પોલિસી બનાવવા માટે કેજરીવાલના સંપર્કમાં હતા, જેના પરિણામે તેમને અયોગ્ય લાભો મળ્યા હતા, જેના બદલામાં તેમણે AAPને લાંચ આપી હતી.