ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
અમિત શાહે જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારને કુલ રૂ. ૩૭ હજાર કરોડનાં વિકાસ કામો મળ્યાં છે.
Amit Shah Gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતાના સંસ્કાર પ્રસરાવવાનું કાર્ય કર્યું છે. શેરી, ગામ, નગર અને મહાનગર સ્વચ્છ રહે તે માટેના સંસ્કાર અને વર્તન કેળવાય તેવું આંદોલન વડાપ્રધાન એ દેશમાં ખડું કર્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતના બે સપૂતો; મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને સ્વચ્છતાનો રાહ ચીંધ્યો છે. આઝાદીના ૭૦ વર્ષ પછી પહેલી વાર નાગરિકોના આરોગ્ય અને આયુષ્ય વિશે ચિંતા કરીને સ્વચ્છતાની અપીલ અને શૌચાલય બનાવવાની વાત લાલ કિલ્લા પરથી કરવાનું કામ વડાપ્રધાન મોદીજીએ કર્યું છે. સ્વચ્છતાની બુનિયાદી જરૂરિયાતને સમજાવનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગાંધીજી પછી બીજા રાષ્ટ્રીય નેતા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના ભાડજ ખાતે આયોજિત જાહેર સભામાં અમદાવાદ ગાંધીનગરના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આ સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મતક્ષેત્રમાં રૂ. ૪૭૨ કરોડના વિકાસ કામો તથા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતક્ષેત્રમાં કુલ રૂ. ૪૪૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું.
નવરાત્રિના પ્રારંભે અમદાવાદ અને ગાંધીનગરને કુલ રૂ. ૯૧૯ કરોડના વિકાસ પ્રક્લ્પોની ભેટ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આપી છે. અમદાવાદને આજે રૂ. ૪૪૭ કરોડનાં વિકાસ કાર્યોની ભેટ મળી છે, આવતી કાલે ગાંધીનગરને અંદાજે રૂ. ૪૭૨ કરોડનાં વિકાસ કાર્યોની ભેટ મળવાની છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારને કુલ રૂ. ૩૭ હજાર કરોડનાં વિકાસ કામો મળ્યાં છે.
ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જે પણ વિકાસ કામોની ભલામણ કરી તે તમામ વિકાસ કામોને સાકાર કરવા ગુજરાત સરકારે રૂ. ૨૩,૯૫૧ કરોડનાં વિકાસ કામો અને કેન્દ્ર સરકારે રૂ. ૧૪,૦૦૦ કરોડના વિકાસ કામોની મંજૂરી આપી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે આ સમગ્રતયા વિકાસ કાર્યોમાંથી શાળાઓના આધુનિક વિકાસ સ્માર્ટ સ્કૂલનો સૌથી મહત્ત્વના વિકાસ પ્રકલ્પ તરીકે ઉલ્લેખ કરતા કહ્યું કે, વ્યક્તિત્વ નિર્માણનું કાર્ય દેશની બહુ મોટી સેવાનું કાર્ય છે.
આધુનિક નિશાળ સ્માર્ટ સ્કૂલે ગરીબ, મધ્યમ વર્ગના બાળકોને જ્ઞાન સમજણની સાથે આત્મવિશ્વાસ આપ્યો છે. સ્માર્ટ સ્કૂલના પરિણામે શાળા શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે. ગરીબ ઘરનાં બાળકોને ગણિત વિજ્ઞાનની વાતો કરતાં, ચિત્રકામ કરતાં, સુભાષિતો અને કહેવતો બોલતા જોઈને પ્રતીતિ થાય છે કે ભારતનું ભવિષ્ય ઉજવળ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગાંધીનગર મતવિસ્તારની બધી શાળાઓને આદર્શ શાળા બનાવવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શિક્ષણ સમિતિ તેમજ શિક્ષકોને મંત્રી એ અભિનંદન પાઠવ્યા હતાં.
સાથે જ તેમણે મ્યુનિસિપાલિટી દ્વારા સંચાલિત સ્માર્ટ શાળાઓની મુલાકાત લઈ શિક્ષણ કાર્યક્રમોને જોવા જાણવાનો અનુરોધ સૌ ઉપસ્થિતોને કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇએ નવરાત્રિને સત્વ, તત્ત્વ અને શક્તિના સંચયનું પર્વ કહી અમદાવાદના નગરદેવી આદ્યશક્તિ ભદ્રકાળીનું સ્મરણ કરી વંદન કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિની આરાધનાના પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, નવરાત્રિના ગરબાની જ્યોતની જેમ, વિકાસની જ્યોતથી ઝળહળ થવાનો અવસર ગૃહ મંત્રી અમિતભાઈએ આપ્યો છે.
મુખ્યમંત્રી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં 'ઇઝ ઓફ લિવિંગ'નો લોકોને અનુભવ થઈ રહ્યો છે. શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને સરકારે વિકાસકાર્યોનું આયોજન કર્યું છે. માત્ર બજેટમાં વિકાસ કામોની જાહેરાત નહીં પરંતુ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટેનો નરેન્દ્રભાઈનો હરહંમેશ પ્રયાસ રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી એ સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્ય ગુડ ગવર્નન્સની પ્રેરક છે.
તેમણે કહ્યું કે, નગર એટલે નળ, ગટર અને રસ્તાની વ્યાખ્યાથી બહાર આવીને બાગ બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, સી.સી.ટી.વી. યુક્ત કમાન્ડ કંટ્રોલ સેન્ટર, ઓનલાઇન સરકારી સુવિધાઓના નિર્માણથી સરકારે સ્માર્ટ સિટિઝ બનાવ્યા છે.
મુખ્યમંત્રી એ સોલા હોસ્પિટલ ખાતે ટેલિફોન દ્વારા સ્પીચ થેરાપી સારવાર માટે રીનોવેટ થયેલું ટેલિ રિહેબિલિટેશન સેન્ટર તથા ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજના ગૃહમંત્રી એ કરેલા લોકાર્પણની ભૂમિકા આપી હતી.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, અમદાવાદથી દૂરના વિસ્તારોમાં રહેતા અને બોલવા સાંભળવામાં તકલીફ ભોગવતા લોકો અને ખાસ કરીને નાના બાળકો કે જેમનું કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન થયું છે તેમને માટે સ્પીચ થેરાપી માટે સોલા સિવિલનું ટેલિ રિહેબિલિટેશન સેન્ટર આશીર્વાદરૂપ બનશે.
મુખ્યમંત્રી એ અમદાવાદના ગોતા, ચાંદલોડિયા તથા જોધપુર વોર્ડમાં વેજીટેબલ માર્કેટની શરૂઆત થવા અંગે કહ્યું કે, શાકભાજી વેચતા નાના ફેરીયાઓને આત્મનિર્ભરતાનો માર્ગ મળ્યો છે.
ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટે સ્માર્ટ સ્કૂલ, આંગણવાડી અને વાંચનાલયના નિર્માણ અને લોકાર્પણથી અમિતભાઈએ શક્તિની ભક્તિના પર્વમાં જ્ઞાનશક્તિની મહત્તા ઉજાગર કરી છે, તેમ પણ તેમણે કહ્યું હતું.
ગૃહમંત્રી એ કરેલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત; સ્માર્ટ મેગાસિટી અમદાવાદને વધુ સુવિધાજનક અને જનપ્રિય બનાવશે, લિવેબલ બનાવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી એ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી એ આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા સૌ સાથે મળીને વિકસિત ગુજરાતનું નિર્માણ કરે, તેવું આહ્વાન કર્યું હતું.
આ અવસરે ગાંધીનગર લોકસભા અને અમદાવાદ પૂર્વ તથા પશ્રિમ લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત અંદાજિત રૂ. ૪૪૭ કરોડના ખર્ચે વિવિધ ૮૮ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી.
રૂ. ૧૦૬ કરોડના કુલ ૧૪ પ્રજાલક્ષી કાર્યોનું ઈ લોકાર્પણ કરાયું હતું. જેમાં રૂ. ૫૩ કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ, રૂ. ૨૦ કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ, રૂ. ૧૨ કરોડના ખર્ચે બિલ્ડિંગ પ્રોજેક્ટ, રૂ. ૧૩ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ, પિંક ટોઇલેટ, વાંચનાલય, કેટલ પોન્ડ શેડ પ્રોજેક્ટ અને રૂ. ૮ કરોડના ખર્ચે તળાવ અને ગાર્ડન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
ઉપરાંત રૂ. ૩૪૧ કરોડના વિવિધ ૭૪ પ્રજાલક્ષી કાર્યોનું ઇ ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં રૂ. ૨૭૭ કરોડના ખર્ચે ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂ. ૨૫ કરોડના ખર્ચે રોડ પ્રોજેક્ટ, રૂ. ૨૫ કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ, રૂ. ૧૪ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ અને પાર્ટી પ્લોટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે