રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
Government Jobs: OJAS પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે સીધી ભરતી થી સ્ટાફનર્સની ભરતી કરાશે
- તા. ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે
- OJAS પ્લેટફોર્મ મારફતે અરજી કરી શકાશે
- સમગ્ર ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ થશે
Gujarat Government Jobs: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૧૯૦૩ સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે.
આ જગ્યાઓ માટે તા. ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે.
OJAS પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.
ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ૧૦ વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ ૩ ની કુલ – ૭૭૮૫ જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે.હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ ૧૨,૧૦૧ જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૭૭૩૨ સ્ટાફ નર્સ વર્ગ 3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે.
સ્ટાફનર્સની બઢતી / વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
પોલીસમાં પણ થશે ભરતી
નોંધનીય છે કે, આ પહેલા પણ ગુજરાત સરકારે સરકારી નોકરી માટે ભરતીની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી વર્ષ ૨૦૨૫માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ ૩ના વિવિધ સંવર્ગોની કુલ ૧૪૮૨૦ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ
નોકરી નથી છતાં બેંક આપશે પર્સનલ લોન, આટલી બાબતો ધ્યાનમાં રાખશો તો ફટાફટ મળી જશે લોન
Education Loan Information:
Calculate Education Loan EMI