Gandhinagar: થપ્પડકાંડની ગુંજ ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ એક્શનમાં, 15 ખેડૂતોને આવ્યું મુખ્યમંત્રીનું તેડું
Gandhinagar: દિયોદરથી નીકળેલ ખેડૂત ન્યાયયાત્રાને આજે ગોઝારીયા રોકવામાં આવી હતી. અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા.
Gandhinagar: દિયોદરથી નીકળેલ ખેડૂત ન્યાયયાત્રાને આજે ગોઝારીયા રોકવામાં આવી હતી. અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા. હવે માહિતી સામે આવી રહી છે કે, દીયોદરમાં ખેડૂત આંદોલનના મામલે ખેડૂત આગેવાનોને ગાંધીનગરનુ તેડું આવ્યું છે. 15 જેટલા ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઇ જવામાં આવી રહ્યા છે. પોલીસ મધ્યસ્થી બની તમામ ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ જઈ રહી છે. રેલીને ગોઝારીયા ખાતે રોકી દેવામાં આવી છે.
તો આ અંગે અમરાભાઈએ કહ્યું કે, સરકાર માગ નહીં સંતોષે તો ઉગ્ર આંદોલન કરીશુ. એક જ માગ, ધારાસભ્ય કેશાજીને સસ્પેન્ડ કરવામાં આવે. અમરાભાઈએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીએ મળવા બોલાવ્યા છે. અમરાભાઈની એક જ માંગ છે કેશાજીને સસ્પેન્ડ કરવામાં આવે. 15 જેટલા ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ જવાયા છે. થપ્પડકાંડની ગૂંજ ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસના પ્રયાસ શરૂ થયા છે.
ખેડૂતોની ન્યાય યાત્રાને પોલીસે રોકી
Mehsana: બનાસકાંઠાના દિયોદરથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાને મહેસાણાના ગોઝારીયા પાસે પોલીસ દ્ધારા રોકી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઝારીયા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ખેડૂતોને આગળ ન વધવા માટેનો આદેશ આપવામા આવ્યો હતો. આવતીકાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ન્યાય યાત્રામાં જોડાય તેવી હતી શક્યતા છે.
બનાસકાંઠાથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાનો આજે સાતમો દિવસ છે. સાતમા દિવસે ન્યાય યાત્રા મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી હતી. જોકે ગોઝારીયા ખાતે મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામા આવતા તમામ ખેડૂતોને અહીથી આગળ ન વધવા દેવાના આદેશ અપાયા હતા. ખેડૂતોના પાંચ આગેવાનોની એક ટીમને ગાંધીનગર લઈ જવા માટે પોલીસ સમજાવી રહી છે પરંતુ ખેડૂતો યાત્રા લઈને ગાંધીનગર જવા માંગે છે જોકે હાલ તો ગોઝારીયા ખાતે યાત્રાને રોકી દેવામાં આવી છે અને પોલીસ ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરી રહી છે. આ યાત્રામાં ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી સહિત ખેડૂત આગેવાનો જોડાયેલા છે. ખેડૂતોની ન્યાય યાત્રાને રોકવા અંગે ખેડૂત નેતા અમરાભાઈએ સ્પષ્ટતા કરી હતી કે યાત્રા રોકવા સરકારે પોલીસને આગળ કરી છે. કોઈ કારણ સિવાય મહેસાણામાં પોલીસની મોટી ફોર્સ ઉતારાઈ છે પરંતુ અમારી યાત્રા યથાવત જ રહેશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે આગળ વધવાની તેઓએ વાત કરી હતી. જો કે કોઈ ખેડૂતની અટકાયત કરાઇ નથી.
કૉંગ્રેસ નેતા પાલ આંબલીયાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ ખેડૂતથી ડરે છે. યાત્રાને રોકવા ગેરકાયદે પ્રયાસ કરાયો હોવાનો પાલ આંબલીયાએ આરોપ લગાવ્યો હતો. ખેડૂતો માત્ર પોતાના ન્યાય માટેની લડત લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના દિયોદરમાં ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણની આગેવાનીમાં અટલ ભુજલ યોજના અંતર્ગત તાલુકાના ખેડૂતોની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઈ ચૉધરીએ દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ ધારાસભ્યના સમર્થક એક વ્યક્તિએ અમરાભાઈ ચૉધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદથી ખેડૂતોએ આ ન્યાય યાત્રા શરૂ કરી હતી.