Gandhinagar Election Results : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું તે શું કહ્યું કે બધા પત્રકાર પરીષદમાં ખડખડાટ હસી પડ્યા?
પાર્ટીના વરિષ્ઠ મુરબ્બી અને અમારા પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબ મને એવું કહેતા હતા કે આ 3 સીટ ઓછી કેમ આવી. એ તો અત્યારથી લાગી ગયા કે, આ ત્રણ સીટ ઓછી કેમ આવી એમ.
ગાંધીનગરઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે. ભાજપનો ભવ્ય વિજય થતાં કમલમ ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જ્યારે કોંગ્રેસ અને આપ કાર્યાલયો પર સન્નાટો વ્યાપી ગયો છે. ત્યારે ભવ્ય વિજય પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જોકે, મુખ્યમંત્રીના નિવેદન સમયે હાંસ્યનું મોજું ફરી વળ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય વિજય પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ મુરબ્બી અને અમારા પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબ મને એવું કહેતા હતા કે આ 3 સીટ ઓછી કેમ આવી. એ તો અત્યારથી લાગી ગયા કે, આ ત્રણ સીટ ઓછી કેમ આવી એમ. એટલે મારા મગજમાં એવું આવ્યું કે, હવે 182 પ્રમાણે ચાલવાનું છે બધાએ, એટલું સમજી લેજો. તેમણે કાર્યકરોને શુભકામના પાઠવી હતી અને કહ્યું કે, ભાજપના હોદ્દેદાર પણ કાર્યકર તરીકે કામ કરવા ટેવાયેલા છે. તેમના આ નિવેદન સમયે પત્રકાર પરીષદમાં બધા ખડખડાટ હસી પડ્યા હતા. મુખ્યમંત્રી પણ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટી ક્યારેય નહીં ચાલે. જે ખૂબ ગાજ્યા હતા, તેને એક બેઠક મળી છે. કોંગ્રેસને ફ્કત બે જ બેઠક મળી છે. થરા નગર પાલિકામાં પણ ભાજપે 20 બેઠક સાથે જીત મેળવી છે. જિલ્લા પંચાયતોમાં આઠમાંથી પાંચ બેઠકો જીતી છે. તાલુકા પંચાયતની 45માંથી 28 બેઠકો જીતી છે. નગર પાલિકાની 45માંથી 37 બેઠકો જીતી છે. જે ઉમેદવારોના વિજય થયા છે તે નાગરિકોના હિતમાં કાર્યો કરશે. પ્રધાનમંત્રી મોદી, અમિતભાઈ શાહ, જે.પી. નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર. તમામ વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી. જનતાએ અમારા પર મુકેલો વિશ્વાસ એળે નહીં જાય.
ગુજરાતમાં ગત 3 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. જોકે, સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા મેળવી લીધીછે. 24 બેઠકોમાંથી 20 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે.
20 બેઠકોમાંથી કોંગ્રેસે 13 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે 7 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. આ પાલિકા પર બહુમતી માટે 13 બેઠકો મેળવવી જરૂરી છે. જે કોંગ્રેસે મેળવી લેતા સત્તા કબ્જે કરી લીધી છે. આમ, કોંગ્રેસે આ ચૂંટણીમાં પહેલી મોટી જીત મેળવી છે. જોકે, થરા અને ઓખા નગર પાલિકામાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.
ઓખા નગર પાલિકાની 36 બેઠકોમાંથી ભાજપે 34 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે માત્ર 2 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. આવી જ રીતે થરા પાલિકામાં 24માંથી 20 બેઠકો પર ભાજપનો, જ્યારે માત્ર 4 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. તો ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 44 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો કબ્જે કરી લીધી છે. જ્યારે માત્ર 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.