News: ગાંધીનગરમાં બની દેશની પ્રથમ સરકારી ન્યૂટ્રિશન સપ્લિમેન્ટ ટેસ્ટિંગ લેબ, હવે આ સમસ્યાઓનું થશે નિવારણ
ગાંધીનગરમાં વધુ એક મોટી લેબ સેટ થઇ ચૂકી છે. ગાંધીનગરમાં દેશની પ્રથમ સરકારી ન્યૂટ્રિશન સપ્લિમેન્ટ ટેસ્ટિંગ લેબનું સેટઅપ થઇ ગયુ છે
Gandhinagar News: ગાંધીનગરમાં વધુ એક મોટી લેબ સેટ થઇ ચૂકી છે. ગાંધીનગરમાં દેશની પ્રથમ સરકારી ન્યૂટ્રિશન સપ્લિમેન્ટ ટેસ્ટિંગ લેબનું સેટઅપ થઇ ગયુ છે, આ લેબ કાર્યરત થતાંની સાથે જ ભારતની કંપનીઓને વિદેશના વારંવારના ધક્કાઓમાંથી મુક્તિ મળશે, કંપનીના તમામ ટેસ્ટિંગ અહીં જ પુરા કરી શકાશે. આ પહેલા ભારતની કંપનીઓને ટેસ્ટિંગ માટે અમેરિકા અને જર્મની જેવા દેશોમાં જવુ પડતુ હતુ.
ન્યૂટ્રિશન સપ્લિમેન્ટ ટેસ્ટિંગ લેબને લઇને સમાચાર સામે આવ્યા છે, તે પ્રમાણે યશ પટવર્ધન નેશનલ ફૉરેન્સિક સાયન્સ યૂનિવર્સિટી (એનએફએસયુ)માં ખેલાડીઓ દ્વારા લેવમાં આવતા સપ્લિમેન્ટ ટેસ્ટિંગ માટે એક લેબને તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ દુનિયાની પહેલી એવી સરકારી લેબ છે જે તમામ ન્યૂટ્રિશનલ સપ્લિમેન્ટનો ટેસ્ટ કરશે. અત્યાર સુધી ભારતની કંપનઓ ન્યૂટ્રિશનલ સપ્લિમેન્ટસના ટેસ્ટિંગ જર્મની અને અમેરિકામાં કરાવતી હતી, પરંતુ હવે આ ટેસ્ટિંગ ફેસિલિટી ગાંધીનગરમાં મળી રહેશે. સ્પૉર્ટ્સપર્સન એક્સ્ટ્રા એનર્જી માટે માટે બહારથી સપ્લિમેન્ટ્સ જેમ કે, પ્રૉટીન બાર, પ્રોટીન પાવડર, એનર્જી ડ્રિંક, માસ ગેનર, ફેટ બર્નર વગેરે છે, જોકે આ સપ્લિમેન્ટ્સમાં અનેકવાર સામે આવ્યુ છે કે, આમાંથી પ્રતિબંધિત તત્વો મળી આવતા હતા, અને ખેલાડીઓનો ડૉપ ટેસ્ટ પણ પૉઝિટિવ આવતો, જેથી અમૂક સમય માટે અથવા તો ઘણીવાર આજીવન સ્પૉર્ટ્સથી દૂર રહેવું પડતુ હતુ. આ તમામ સમસ્યાઓ હવે નહીવત થઇ જશે.
બાયૉલોજિકલ અને પ્રૉડક્ટ સેમ્પલનાં પણ ટેસ્ટિંગ કરાશે -
NFSU ગાંધીનગરના CoE NDPS ડૉ. આસ્થા પાંડે, હેડ ઓફ ધ સેન્ટરના જણાવ્યા અનુસાર, જો કોઈ ટૂર્નામેન્ટ ચાલુ હોય અને તે દરમિયાન એથ્લિટનો ડૉપ ટેસ્ટ કરાવાય અથવા તો એવું જાણવા મળે કે એથ્લિટે પ્રૉહિબિટેડ વસ્તુઓનું સેવન કર્યું છે,. તો તેનો બાયૉલોજીકલ ટેસ્ટ અને પ્રૉડક્ટ સેમ્પલ પણ NFSUમાં મોકલાશે. અહીં તેનું ટેસ્ટિંગ કરાશે અને તેનો રિપોર્ટ FSSAIને મોકલાશે. આ સાથે ન્યૂટ્રિશનલ સપ્લિમેન્ટ્સ કંપનીઓની કેટલીક પ્રૉડક્ટ્સેનું એવી હોય છે જેનું ટેસ્ટિંગ કરાયું નથી, તેનું પણ ટેસ્ટિંગ કરી રિપોર્ટ પણ અહીંથી જ અપાશે.