Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે
Gandhinagar: અંકિત બારોટે કહ્યું હતું કે વોર્ડના વિકાસના કાર્યોને વેગ મળે તે માટે રાજીનામું આપ્યું છે
![Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે Gandhinagar: Resignation of two Congress corporators in Gandhinagar Municipal Corporation Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા બની કોગ્રેસમુક્ત, આવતીકાલે ભાજપમાં જોડાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/28/965e92f0177f0345ad02f78391c9a68d171160719741174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકા કોગ્રેસમુક્ત બની હતી. ગાંધીનગર કોર્પોરેશનના કોગ્રેસના બે કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોગ્રેસના બંન્ને કોર્પોરેટરો આવતીકાલે ભાજપનો કેસરિયો ખેસ પહેરશે. થોડા દિવસ અગાઉ અંકિત બારોટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. ગાંધીનગર કોર્પોરેશનમાં 44 બેઠકોમાંથી 2 બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી પરંતુ રાજીનામું આપતા ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત બની છે.
અંકિત બારોટે કહ્યું હતું કે વોર્ડના વિકાસના કાર્યોને વેગ મળે તે માટે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા શુક્રવારે ભાજપમાં જોડાશે. આ બંન્ને કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસી કાર્યકરોને આવકારવા ગાંધીનગરના પાર્ટી પ્લોટમાં કાર્યક્રમનું આયોજન થશે.
ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં આમને સામને છે, ત્યારે આજે સાબરકાંઠા બેઠકને લઇને સવારથી જ જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાતમાં રાજકોટ, પોરબંદર અને સાબરકાંઠા સહિતની બેઠકો પર ભાજપ વિવાદોમાં છે, ક્યાંક કાર્યકરો તો ક્યાંય સીનિયર નેતાઓ નારાજ દેખાઇ રહ્યાં છે. ગુજરાતમાં ભાજપનો આંતરિક વિવાદ વધે તે પહેલા આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક મળી હતી, લોકસભાની ચૂંટણીને લઇને મળેલી આજની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ હતી.
આજે ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની બેઠક મળી હતી, તે હાલમાં જ પૂર્ણ થઇ છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી, જેમાં ભાજપના સીનિયર નેતાઓ, પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો સહિતના લોકો હાજર રહ્યાં હતા. બેઠક દરમિયાન સીઆર પાટીલે ટકોર કરતાં જણાવ્યુ હતુ કે, ખોટા વાદ-વિવાદ કે તકરાર ના કરવા કરવી. આપણે ગુજરાતમાં લાભાર્થી સંપર્ક, મતદાતા સંપર્ક અભિયાન અંતર્ગત કામ કરવાનું છે, લોકોને તેના માટે માર્ગદર્શન આપવાનું છે. મતવિસ્તારોમાં મતદારોને ત્રણવાર સંપર્ક કરવો, દરેકે પાંચ લાખથી વધુની લીડ માટે મહેનત કરવી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના તમામ પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો હાજર રહ્યાં હતા અને ચર્ચા કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)