ગુજરાતના સરકારી તબીબોને ગાંધીનગરનું તેડું, શું હડતાલનો આવશે અંત?
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી તબીબોની હડતાલ ચાલી રહી છે. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ગુજરાતના સરકારી તબીબોને ગાંધીનગરનું તેડું આવ્યાના સમાચાર છે.
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી તબીબોની હડતાલ ચાલી રહી છે. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ગુજરાતના સરકારી તબીબોને ગાંધીનગરનું તેડું આવ્યાના સમાચાર છે. માગણીઓ સંદર્ભે આરોગ્ય વિભાગે બેઠક કરવા માટે તૈયારી બતાવી છે. આરોગ્યમંત્રી અથવા આરોગ્ય અધિકારીઓ સાથે સાંજે તબીબોની બેઠક યોજાશે. જો કે આ અગાઉ ચાર વખત સરકારી તબીબો ગાંધીનગર બેઠક માટે પહોંચ્યા હતા. પેંશન બઢતી બદલી અને સરકારી સહાય સહિત 16 માગણીઓ સંદર્ભે તબીબો છેલ્લા ચાર દિવસથી હડતાલ ઉપર છે.
ડૉક્ટરોની હડતાળ પર અધિક મુખ્ય સચિવ આરોગ્ય મનોજ અગ્રવાલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે આરોગ્ય મંત્રીના નેજા હેઠળ હાલમાં ડોક્ટર હડતાલ પર છે તે મુદ્દે ચર્ચા થઈ છે. એમના વહીવટી પ્રશ્નો મુદ્દે સુખદ સમાધાનકારી વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે અગાઉ ઘણા પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે પહેલી જૂનથી એનપીએ આપવામાં આવશે. આ ઉપરાંત 3 વર્ષ નું એરિયર્સ ચૂકવાશે. 5 સરખા હપ્તામાં ચૂકવાશે. એનપીની મહત્તમ મર્યાદા 2.37 લાખ નિયત કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર સમક્ષ લાભો ડોક્ટરોને મળશે. લાંબા સમયથી જે ડોક્ટર જીપીએસસી પાસ કરી હોય તેની સેવા સળંગ ગણવામાં આવે તેવો નિર્ણય પણ લીધો છે. 8 વર્ષે ટીકુ કમિશનનો લાભ ડોક્ટરોને આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જીમ્સરની 8 કોલેજોના પ્રશ્નો પણ રાજ્ય સરકારે સ્વીકાર્ય છે. ન્યુ પેંશન સ્કીમ, ટ્રાન્સફર એલાઉસ, મેડિકલ એલાઉન્સ સહિતના લાભો પણ અપાશે.
ડોક્ટરોની હડતાલને પગલે મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે રઝળી પડ્યાં
દાહોદ: દાહોદ જિલ્લા સહિત રાજયમા ડોકટરોની હડતાલને લઈને અનેક દર્દઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દાહોદ સિવિલ ઝાયડસ હોસ્પિટલના પોસ્ટમોટમ રૂમમાં 4 મૃતદેહો રઝળી પડ્યા હતા. જેના કારણે મૃતકોના પરિજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઝાલોદ તાલુકાના થેરકા ગામના સંગાડા રાહુલનું ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જતાં મોત નીપજ્યું હતું. જેના મૃતદેહ ને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લવાયો હતો.
જો કે, અકસ્માતના 24 કલાક વીત્યા બાદ પણ મૃતદેહનું પોસ્ટમોર્ટમ ન થતા પરિજનો પોસ્ટમોર્ટમના રૂમ બહાર ડોક્ટરોની રાહ જોઈ બેઠા છે. ડોક્ટરની હડતાલના કારણે પરિજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ધાનપુર નજીકના 25 વર્ષીય હર્ષિલા સુરશીંગ બારીયા અને સિંગવડના ધામણબારી ગામના 35 વર્ષીય નયનાબેન રાજુભાઈની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા ત્યાં તેમનું સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું.
ધાનપુર અને સિંગવડના ડોકટરોની હડતાલ હોઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લવાયો હતો. જોકે 48 કલાકનો સમય વીતી ગયો છતા પીએમની વ્યવસ્થા થઈ નથી. ગઈકાલે રાત્રે પિપલોદ રેલવે સ્ટેશન નજીક એક નવજાત શિશુનો મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા પણ ડોક્ટરની હડતાલની અસર પણ જોવા મળી હતી. દાહોદ સહિત રાજ્યભરમાં હાલ સરકારી ઇન સર્વિસ તબીબોની હડતાલને પગલે દર્દીઓ તેમજ પરિજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પોસ્ટમોટમની રાહ જોઈ રહેલા ચાર મૃતદેહ ડોક્ટરની હડતાલની અસર પડી છે. જોકે ઝાયડ્સ હોસ્પિટલના સી. ઇ .ઓ સંજય કુમાર મૃતદેહના પોસ્ટમોટમ માટે સીડીએમઓને જાણ કરાઈ છે, જેથી વહેલી તકે પોસ્ટમોટમ થઈ શકે.