ગાંધીનગર-અમદાવાદમાં મુખ્યમંત્રી કરશે નવા વર્ષની ઉજવણી, પંચદેવ મંદિર અને ત્રિમંદિરમાં કરશે દર્શન
નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા અને સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે

ગાંધીનગર-અમદાવાદમાં મુખ્યમંત્રી નવા વર્ષની ઉજવણી કરશે. નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા અને સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી કાલે સવારે પંચદેવ મંદિર અને ત્રિમંદિરમાં દર્શન કરશે. તેઓ મંત્રીમંડળ નિવાસ સંકૂલમાં નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. સવારે 10 વાગ્યે ભદ્રકાળી માતાજીના દર્શન કરશે. અમદાવાદમાં 10: 30 વાગ્યે નાગરિકો સાથે મુલાકાત કરશે. 11:45 વાગ્યે શાહીબાગમાં પોલીસ અધિકારીઓને શુભેચ્છા પાઠવશે.
દિવાળી પછીના નૂતન વર્ષના અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવશે. નવા વર્ષના દિવસે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ સ્થળોએ પ્રજાજનો સાથે શુભેચ્છાની આપ-લે કરશે. એક નિવેદન અનુસાર, મુખ્યમંત્રી બુધવારે વહેલી સવારે 7 વાગ્યે ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરશે. ત્યારબાદ સવારે 7.30 વાગ્યે અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે જઈ દર્શન પૂજન કરશે. ત્રિમંદિર ખાતે તેઓ સ્વામિનારાયણ, શંકરાચાર્ય અને તિરુપતિ બાલાજીના મંદિરોના દર્શન કરીને શુભેચ્છાઓ પ્રાપ્ત કરશે. ત્યાર બાદ મુખ્યમંત્રી નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે 8:૦૦ કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે.
મુખ્યમંત્રી ત્યાર બાદ રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે. ભૂપેન્દ્ર પટેલ સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે. મુખ્યમંત્રી સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે.
દર વર્ષે નવા વર્ષની સવારે મંત્રીમંડળ નિવાસ સંકુલ ખાતે નાગરિકો મુખ્યમંત્રીને મળવા માટે ઉમટી પડે છે. હજારો લોકો શુભેચ્છા આપવા અને સેલ્ફી લેવા માટે હાજર રહે છે. નવા વર્ષના આ પ્રસંગે મુખ્યમંત્રી અને મંત્રિમંડળના સભ્યો વચ્ચે શુભેચ્છાની આપ-લે સાથે નવા વર્ષની રાજકીય શરૂઆત પણ થશે. નવી કેબિનેટ રચના પછી આ નવું વર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આવતા મહિને વિધાનસભા સત્ર અને કેટલીક નીતિગત જાહેરાતો પણ શક્ય છે.





















