કોરોનાના કેસો વધતાં શું ગુજરાતમાં વધુ નિયંત્રણો લાગશે? મુખ્ય સચિવે મનપા-જિલ્લા કલેક્ટરોની બોલાવી બેઠક
બેઠકમાં મનપાના કમિશનરો અને જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરી તેને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન ઉપર ભાર મુકાયો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસોનો પણ રાફડો ફાટ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં અત્યારે કોવિડ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં તમામ મહાનગરપાલિકાના કમિશનરો અને જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરી તેને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. મુખ્ય સચિવ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા કેસ 200ને પાર થયા છે. રાજ્યમાં આજે 204 કેસ નોંધાયા છે. બીજી તરફ 65 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,363 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.65 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 4,02,136 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 33, સુરત કોર્પોરેશનમાં 22, વડોદરા કોર્પોરેશનમાં 16, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, ખેડામાં 4, મહિસાગરમાં 3, રાજકોટ 3, અમદાવાદ 2, આણંદ 2, ભરુચ 2, કચ્છમાં 2, બનાસકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, દાહોદ 1, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, સુરતમાં 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1086 કેસ છે. જે પૈકી 14 વેન્ટીલેટર પર છે, જ્યારે 1072 નાગરિકો સ્ટેબલ છે. 8,18,363 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10114 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે.