Ahmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'
Ahmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'
Ahmedabad Bhadrakali Temple controversy: અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં લાગેલા એક આશ્ચર્યજનક બેનરને કારણે વિવાદ સર્જાયો છે. મંદિર ટ્રસ્ટે ભક્તોને સનાતની ધર્મના લોકો પાસેથી જ પ્રસાદ ખરીદવા અપીલ કરી છે, જેના પગલે નવો વિવાદ ઉભો થયો છે. મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં લગાવવામાં આવેલું આ બેનર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, પરંતુ તે સાથે મંદિર પ્રશાસનની કામગીરી પર પણ સવાલો ઉભા કરી રહ્યું છે.
કેટલાક ભક્તો સાથે એબીપી અસ્મિતા દ્વારા વાત કરવામાં આવી, જેમાં ભક્તોએ જણાવ્યું કે તેઓ મંદિરમાં મુખ્યત્વે શ્રીફળ, ચુંદડી અને કંકુ જેવી પરંપરાગત પ્રસાદી જ અર્પણ કરે છે. આ સંજોગોમાં, મંદિર પ્રશાસન દ્વારા હલવાના પ્રસાદને લઈને કરવામાં આવેલી અપીલ અને તે પાછળનું કારણ અનેક સવાલો ઉભા કરે છે.
મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ આ સમગ્ર મામલે અત્યંત ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા મંદિરના ભોગ માટે આસપાસના વિસ્તારમાં મુસ્લિમ વેપારીઓ દ્વારા વેચવામાં આવતો હલવાનો પ્રસાદ ઉપયોગમાં લેવાયો હતો. મંદિર પ્રશાસનને શંકા છે કે આ પ્રસાદ અખાદ્ય હોઈ શકે છે, એટલું જ નહીં, ટ્રસ્ટી શશીકાંત તિવારીએ તો ત્યાં સુધી આશંકા વ્યક્ત કરી છે કે પ્રસાદમાં થૂંકીને ભક્તોને આપવામાં આવ્યો હોય. આ ગંભીર આશંકાઓના પગલે જ મંદિર પ્રશાસને ભક્તોને સનાતની વેપારીઓ પાસેથી જ પ્રસાદ ખરીદવાની અપીલ કરતું બેનર લગાવ્યું છે.
વધુમાં, ટ્રસ્ટી શશીકાંત તિવારીએ મંદિર પ્રશાસન સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે મંદિર પરિસરના 100 મીટર વિસ્તારમાં અનેક મુસ્લિમ વેપારીઓ ધંધો કરી રહ્યા છે, જે અંગે પ્રશાસને કાયમી ઉકેલ લાવવો જોઈએ. મંદિર ટ્રસ્ટની આ અપીલ અને ટ્રસ્ટીના નિવેદનને પગલે આ વિવાદ વધુ ગરમાયો છે અને આ મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે.


















