શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ
ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. જે મુજબ સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગને શ્રમિકો પાસેથી દિવસના 9ના બદલે 12 કલાક સુધી કામ કરાવવાની છૂટ આપવામાં આવી છે

ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. જે મુજબ સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગને શ્રમિકો પાસેથી દિવસના 9ના બદલે 12 કલાક સુધી કામ કરાવવાની છૂટ આપવામાં આવી છે. જેના પગલે કામદાર સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કામદાર સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત સરકારે ઉદ્યોગપતિ અને કારખાનાના માલિકોને ખુશ કરવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગરીબ શ્રમિકોએ સપ્તાહમાં કોઈ એક દિવસ 12 કલાક કામ કરવું પડશે. શ્રમિકોના કામના નિયમો માટે ગુજરાત સરકારે વટહુકમ પરત ખેંચવાની માંગ સાથે ટ્રેડ યુનિયનો રોષે ભરાયા હતા.
કારખાના-ફેક્ટરી, ઉદ્યોગોમાં શ્રમિકોને દરરોજ આઠ કલાક કામ કરવાનું વેતન 497 રૂપિયા મળે છે. એક કલાકની રિસેસ સાથે નવ કલાકની પાળીમાં હજારો શ્રમિકો કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો છે. હવે શ્રમિકોએ અઠવાડિયામાં કોઈ એક દિવસ 12 કલાક ફરજિયાત કામ કરવું પડશે. આ ઉપરાંત મહિલા કામદારોને લેખિત સહમતિના આધારે કામ લઈ શકાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને કામદાર સંગઠનો ગુસ્સે થયા છે. તેનું કહેવું છે કે ગરીબ કામદારોના કલાકોમાં વધારો કરવા રાતોરાત વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા પાછળનું કારણ શું છે? આ અગાઉ ઉનાળાની ગરમીમાં હીટસ્ટ્રોકથી બચવા માટે શ્રમિકો માટે જરૂરી પગલા લેવા સરકારને રજૂઆત કરાઈ હતી ત્યારે સરકારે આ મુદ્દે સંવેદના દાખવી ન હતી. વાસ્તવમાં ગુજરાત સરકારે શ્રમિકોનું શોષણ કરવાની મંજૂરી આપી દીધી છે.
કામદાર સંગઠનોએ જણાવ્યું હતું કે આ વટહુકમ ગરીબ શ્રમિકોના સ્વાસ્થ્ય સાથે રમત સમાન છે. સતત કામને લીધે સેમના સ્વાસ્થ્ય જોખમાશે. ઉપરાંત વધુ કલાકોના કામના કારણે રોજગારી ઘટશે. સરકારે આ નિર્ણય ઉદ્યોગપતિઓને ખુશ કરવા લીધો છે. કામદાર સંગઠનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર વટહુકમ પાછો નહી ખેંચે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.





















