‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને વિનામૂલ્યે અપાશે સનદ, અંદાજે 25 લાખ લોકોને થશે લાભ
આવા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિના મૂલ્ય આપવામાં આવે છે.

સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ વિના મૂલ્યે અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે નાણાંકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના અભિગમથી આ નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ભારત સરકારના પંચાયતી રાજ, વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી આ સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે.
સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી સનદ વિના મૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 21, 2025
આ નિર્ણયના લીધે મિલકત ધારકોને 200 રૂપિયા સર્વે ફી હવે ચૂકવવી નહીં પડે. આનો લાભ અંદાજે 25 લાખ લોકોને થશે.
આ ‘સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઈઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજ એરીયા(સ્વામિત્વ)’ અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે. આવા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિના મૂલ્ય આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસુલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી 200 રૂપિયાની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયને પરિણામે હવે રાજ્યમાં ‘સ્વામિત્વ’ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ પણ વિના મૂલ્યે મળશે. રાજ્યમાં આવી અંદાજે 25 લાખ ગ્રામીણ મિલકત સનદ વિતરણ માટે આશરે 50 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર લેશે.
ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના નાના, ગરીબ અને મધ્યમ વર્ગીય મિલકત ધારકોને સનદ મેળવવા માટે 200 રૂપિયાની ફીમાંથી મુક્તિ આપવાના આ અભિગમથી ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતના હક્ક દર્શાવતી સનદ મેળવવામાં સરળતા કરીને ઈઝ ઓફ લિવિંગ સાકાર કર્યું છે. સ્વામિત્વ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય વિસ્તારના આબાદી એરીયાની મિલક્તોના ડ્રોન સર્વે કરી ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવાનો છે. આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર મળે છે અને તેઓને નાણાંકીય રીતે સશક્ત બનાવે છે. પ્રોપર્ટીકાર્ડ થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે, ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે, કરની ચોક્કસ વસૂલાત થશે અને મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.





















