Gujarat Omicron : તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતાં તંત્ર થયું એલર્ટ, ઓમિક્રોન સેમ્પલ લેવાયા
તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું હતું. બંને વિધાર્થીઓના સેમ્પલ ઓમીક્રોન પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગાંધીનગરમા તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું હતું. બંને વિધાર્થીઓના સેમ્પલ ઓમીક્રોન પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. બંને યુવકો 9 દિવસ પહેલાં જ ગાંધીનગર આવ્યા હતા. બંને સ્ટુડન્ટે કોરોના રસીના એક-એક ડોઝ લીધેલા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. ખેડામાં ઓમિક્રોનના નવા 3 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. નાઇઝીરિયા અને દુબઇથી આવેલા બે પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે અને તેમના સેમ્પલમાં ઓમિક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. આ બંને પુરુષમાં એક બોપલ અને એક બોડકદેવનો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બે કેસ સાથે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 9 કેસ થયા છે. આજે રાજ્યમાં નવા 13 કેસ સાથે કુલ કેસની સંખ્યા 43 પર પહોંચી છે.
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે દસ દિવસ પહેલા પોઝિટિવ આવેલા દર્દીઓના રિપોર્ટ જીનોમ સીકવન્સીંગ માટે મોકલવામા આવ્યા હતા.તેમાંથી ત્રણ દર્દીઓના રિપોર્ટ ઑમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક દર્દી દુબઇથી આવેલા છે, એક દર્દી તાન્ઝાન્યાથી આવ્યા છે અને એક નડિયાદના દર્દી ઑમિક્રોન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોઝિટિવ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બે દિવસ પહેલા ઓમિક્રોનના 5 નવા કેસ મળી આવ્યાં હતા. વિદેશથી આવેલી 1 બાળકી સહિત 4 મહિલાઓ ઓમિક્રોન સંક્રમિત થયા હતા. જેમાં કોંગોથી મકરબા આવેલી 8 વર્ષની બાળકી, 32 વર્ષની મહિલા, દુબઈથી થલતેજ આવેલી 39 વર્ષીય મહિલા, તાન્ઝાનિયાથી મણીનગર આવેલી 42 વર્ષીય મહિલા અને યુકેથી નવરંગપુરા આવેલી 40 વર્ષીય મહિલા કોરોના ઓમિક્રોન સંક્રમિત થઇ છે. હવે શહેરમાં ઓમિક્રોનના કુલ કેસ 9 થયા છે.
વડોદરા શહેરમાં ઓમિક્રોનના કેસની સંખ્યા સૌથી વધુ છે. વડોદરા શહેરમાં આજે ઓમિક્રોનના 7 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા વડોદરા શહેરમાં 17 પર પહોંચી છે.