ભરૂચ, નર્મદા, વડોદરામાં પૂરથી તબાહ થયેલા ખેતીપાકને લઈ સહાયની જાહેરાત, જાણો કોને મળશે લાભ
Relief Package: આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.
Agriculture Relief Package: રાજ્યમાં તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.
તાજેતરમાં ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.
આ અંદાજ અહેવાલોના સંદર્ભમાં રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલ નુકસાન સામે સહાય રૂપ થવા માટે SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે. આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના કૃષિ વિભાગે કૃષિ મંત્રી રાઘવજી ભાઇ પટેલના પરામર્શમાં રહીને જાહેર કરેલા આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.
આ ખરીફ ઋતુ 2023-24ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹ 8૦૦૦ પ્રમાણે મળીને કુલ રૂપિયા 25,૦૦૦ સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા 22,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹15,૦૦૦ મળી કુલ 37,500 સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹22,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500 ની સહાય મળીને કુલ ₹1,25,000 ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.