વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારોનો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ, જાણો શું કરી માંગ
ભરતીને લઈ વિદ્યા સહાયક ઉમેદવારોમાં આક્રોશ યથાવત છે. આજે મોટી સંખ્યામાં વિદ્યાસહાયક ઉમેદવારો પાટનગર ગાંધીનગર પહોંચ્યા. સચિવાલય બહાર ધરણાં પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગાંધીનગર: ભરતીને લઈ વિદ્યા સહાયક ઉમેદવારોમાં આક્રોશ યથાવત છે. આજે મોટી સંખ્યામાં વિદ્યાસહાયક ઉમેદવારો પાટનગર ગાંધીનગર પહોંચ્યા. સચિવાલય બહાર ધરણાં પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની માંગ હતી કે ફક્ત 3 હજાર 300 જગ્યા પર ભરતી નહીં પરંતુ મહેકમ પ્રમાણે સાડા બાર હજાર જગ્યા પર ભરતી કરવામાં આવે. ધરણાં પર બેઠી વિદ્યાસહાયક મહિલા ઉમેદવારોની પોલીસે જ્યારે અટકાયત કરી તો તે ભાવૂક થઈ ગઈ. આ તરફ કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રાથમિક શાળામાં 20 હજાર શિક્ષકોની ઘટ છે. તેમ છતાં સરકાર ભરતી નથી કરતી.
વિદ્યાસહાયકોની ભરતી અંગે કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 20 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે તેમ છતા માત્ર 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. RTEનો અમલ કરવામાં આવે તો 30 હજાર શિક્ષકોની ઘટ છે. 4 વર્ષથી ભરતી કરવામાં નથી આવી, લાંબી લડાઈ પછી માત્ર 3300 જગ્યા ભરવાની સરકારે જાહેરાત કરી છે. 700 શાળાઓ 1 શિક્ષકથી ચાલે છે. જ્યારે 47 હજારથી વધારે ટેટ ટાટ પાસ ઉમેદવારો બેરોજગાર છે. 10 હજાર વિદ્યાસહકોની ભરતી કરવા કોંગ્રેસની માંગ છે.
રાજ્યમાં આજથી હીટવેવની આગાહી
રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે અને સતત બીજા દિવસે સાત શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે નોંધાયો હતો.
અમદાવાદમાં આગમી ત્રણ દિવસ મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તો આજે અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેંદ્રનગરમાં, જ્યારે બુધવારે બનાસકાંઠામાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ડીસામાં ગરમીનો પારો 41. 6 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે રાજકોટમાં ગરમીનો પારો 41.3 ડિગ્રી પર પહોંચ્યો હતો.