રાજ્યમાં ગાજવીજ સાથે પડશે વરસાદ, સપ્ટેમ્બરના અંત સુધી રહેશે વરસાદઃ અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Monsoon: રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ શરૂ થયો છે, છેલ્લા બે દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાંપટા શરૂ થઇ ચૂક્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જે મુજબ આજે છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના આંકલન મુજબ, દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે તો પંચમહાલ, વડોદરા, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.
મહીસાગર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
મહીસાગર જિલ્લામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, અહીં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ પડી રહ્યો છે. માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે. અહીં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સંતરામપુર તાલુકામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે, તો વળી, લુણાવાડામાં 20 એમએમ વરસાદ ખાબક્યો છે. મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ સારો એવો વરસાદ પડી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ લુણાવાડા શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, અને વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છે.
દેશભરમાં વરસાદ બાદ બદલાયો મોસમનો મિજાજ
હાલમાં દેશભરના અનેક રાજ્યોમાં વરસાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે આજે એટલે કે શનિવારે (16 સપ્ટેમ્બર) વરસાદને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં શનિવારે (16 સપ્ટેમ્બર) દિવસભર વાદળછાયું રહેવાની સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે. આ સિવાય હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સુધી દિલ્હીમાં વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની શક્યતા છે.