શોધખોળ કરો
શિયાળામાં ગુજરાતમાં કેમ થઈ રહ્યો છે કમોસમી વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત, દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના

ગાંધીનગર: ચાલુ વર્ષે ગુજરાતમાંથી મેઘરાજા જવાનું નામ લઈ નથી રહ્યા. ત્યારે અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત, દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતમાં 4 અને 5 ડિસેમ્બરે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગનાં ડાયરેકટર, ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી ગઈ છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ લો-પ્રેશર સક્રિય થયું છે. જેમાંથી દક્ષિણ પશ્ચિમ તરફનું લો પ્રેશર 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 72 કલાકમાં સોમાલીયા તરફ આગળ વધશે. જ્યારે અન્ય દક્ષિણ પૂર્વમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થવાથી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રનાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં બે લો-પ્રેશરને કારણે દિવસ દરમિયાન લોકોએ સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ લો-પ્રેશરને કારણે 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગીર સોમનાથ, આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 4 ડિસેમ્બરે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચો





















