શોધખોળ કરો
ગુજરાતમાં બારેય મેઘ ખાંગા, સૌરાષ્ટ્રમાં આ વિસ્તારમાં આભ ફાટ્યું, એક જ દિવસમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો
રાજકોટ સહિતનાં 40 જેટલા શહેરી વિસ્તારોમાં પણ આજે એકથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદઃ ગુજારતમાં બારેમેઘ ખાંગા થયા છે. રાજ્યમાં સતત અવિરત વરસાદ ચાલુ છે. રવિવારે થયેલ અનરાધાર મેઘ મહેરને કારણે મોરબી જિલ્લાના આમરણ ચોવીસી પંથકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જેનાં પગલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આજે તાત્કાલિક મીટિંગ બોલાવાઇ હતી અને સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આગોતરા આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. એન.ડી.આર.એફ. (નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ)ની કુલ 13 ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને એસ.ડી.આર.એફ.ની 11 અને એન.ડી.આર.એફ.ની બે એમ કુલ 13 ટુકડીઓ અત્યારે રિઝર્વ રાખવામાં આવી છે. આજે સૌથી વધુ વિસાવદર અને ગીરગઢડામાં મુશળધાર છ ઈંચ તો મોરબી અને ધોરાજી પંથકમાં પાંચ ઈંચ વરસાદ પડયો હતો. જયારે માળીયા હાટીના, માંગરોળ, માણાવદર, હળવદ, માળીયા મિંયાણા, તાલાલા, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ તો ગોંડલ, જૂનાગઢ, જોડિયા, રાજુલા, ઉના, કોડિનાર, ખંભાળિયા, પોરબંદર, લીંબડીમાં ત્રણ ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતાં. રાજકોટ સહિતનાં 40 જેટલા શહેરી વિસ્તારોમાં પણ આજે એકથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો. 15 દિવસતી અવિરત વરસાદ ચાલુ હોવાથી નદીનાળા છલકાઈ ચુકયા છે અને નાનામોટા જળાશયો પણ ઓવરફલો થઈ ગયા છે. વરાપ નહી નિકળતા હવે ખેતી પાક પર જોખમ ઉભું થવા સાથે લીલા દૂષ્કાળનો ભય સર્જાયો છે.
વધુ વાંચો





















