Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓ માટે 3 કલાક અતિ ભારે, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાવ કાસ્ટ જાહેર કર્યું છે.

અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાવ કાસ્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી ત્રણ કલાક રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ત્રણ કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.
આ જિલ્લાઓ માટે આગામી ત્રણ કલાક ભારે
હવામાન વિભાગના નાવ કાસ્ટ મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ભરૂચ, સુરત, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ જિલ્લામાં આગામી ત્રણ કલાક ખૂબ જ ભારે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, અમરેલી, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યનાં સમગ્ર દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી
એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે માધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ડૉ. એ. કે. દાસ, ડાયરેક્ટર, હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.
મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ
જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાયું છે. વરસાદના કારણે જૂનાગઢમાં નવ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં નીચાણવાળા 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના 35 ગામનો સંપર્ક તૂટ્યો છે. મેંદરડામાં ભારે વરસાદને પગલે જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.
જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સારો વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે.





















