Cyclone Biparjoy : પોરબંદરમાં વિનાશની શરૂઆત, ચોપાટી પરનો પાળો તૂટ્યો , મકાન ધરાશાયી થતાંં એકનું મોત
પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે એક મકાન ધરાશાયી થયું હતું.
પોરબંદરઃ અરબ સાગરમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે એક મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે એક મકાન ધરાશાયી થયું હતું. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં ભાટિયા બજારમાં એક મકાન ધરાશાયી થયું હતું.
મકાનની અંદર કુલ ત્રણ વ્યક્તિઓ હતા જેમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ 42 વર્ષીય લોઢારી પરેશભાઇ નારણભાઇ ફસાઇ ગયા હતા. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી તેમને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજી તરફ પોરબંદરના દરિયા કાંઠે દરિયામાં જબરજસ્ત મૂવમેન્ટ જોવા મળી રહી છે. દરિયા કાંઠે 15 ફૂટથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાના મોજાના કારણે ચોપાટી પરનો પાળો તૂટ્યો હતો. પાળો તૂટવાથી પાળાના પથ્થર ચોપાટીના રસ્તા સુધી પહોંચી ગયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું 14 જૂન સવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉત્તર-ઉત્તર પૂર્વિય તરફ આગળ વધી 15 જૂન એટલે કે ગુરૂવારના દિવસે માંડવી અને જખૌ બંદરે પાસેથી પસાર થશે. વાવાઝોડાનો એક ભાગ પાકિસ્તાનના કરાંચી તરફ હશે. વાવાઝોડું જ્યારે પસાર થશે ત્યારે 125થી 135 કિલોમીટર પ્રતિ કલાક હવાની ઝડપ હશે.
વાવાઝોડાના કારણે રાજ્યના 8 જિલ્લાઓ પ્રભાવિત થશે. 8 જિલ્લાના 441 ગામોના 16 લાખથી વધુ લોકોને અસર થશે. અત્યાર સુધીમાં 8 જિલ્લાના છ હજાર 827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 1800 લોકોનું સ્થળાંતર કરાયુ હતું તો મોરબીના માળિયાના કાંઠા વિસ્તારમાંથી એક હજાર 372 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સલાયાના નીચાણવાળા વિસ્તારોમાંથી 157 લોકોનું તો પોરબંદરમાંથી 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બિપરજોય વાવાઝોડાથી 8 જિલ્લાના 16.76 લાખ લોકો પ્રભાવિત થશે. અત્યાર સુધી સાત હજાર લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની 15 ટીમ તૈનાત કરાઇ હતી. વાવાઝોડાના ખતરા વચ્ચે સૌરાષ્ટ્ર- કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ કરવામા આવી હતી. બિપરજોયના કારણે સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારની સ્કૂલોમાં 15 જૂની સુધી રજા જાહેર કરાઇ હતી.