પાટણ તાલુકાના આ ગામમાં વહેલી સવારે રેફ્રિજરેટરમાં થયો બ્લાસ્ટ, કોઈ જાનહાની નહીં
પાટણ તાલુકાના વિસલવાસણા ગામમાં આવેલ પટેલના માઢમાં રહેણાંક મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

પાટણ: પાટણ તાલુકાના વિસલવાસણા ગામમાં આવેલ પટેલના માઢમાં રહેણાંક મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘરમાં રહેલ રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ પ્રસરી હતી. આ સાથે જ મોટુ નુકસાન ઘર માલિકને થયું હતું.
અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ
પાટણ તાલુકાના વિસલવાસણા ગામમાં આવેલ પટેલના માઢમાં પટેલ નટુભાઈના ઘરમાં વહેલી સવારે અચાનક રેફ્રિજરેટર બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટ જોતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ત્યારબાદ લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કોશિશ કરી હતી પરંતુ આગ વધુ લાગવાના કારણે આગને કાબુમાં લઈ શકાય ન હતી. અંતે ઊંઝાના ફાયર ફાઈટરને ફોન કરતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને બેથી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘર વપરાશની વસ્તુઓ બળીને ખાખ થઈ
ઘરમાં રહેલ ફ્રિજમાં અચાનક કોઈ કારણસર બ્લાસ્ટ થતા વીજ નિયંત્રણો બળી જવા પામ્યા હતા. ખાસ કરીને ફ્રિજ વોશિંગ મશીન પંખા અને લાઈટ સહિત ઘરની ઘર વપરાશની વસ્તુઓ બળીને ખાખ થઈ હતી પરંતુ મહત્વની બાબત એ છે કે જે ઘરના લોકો હતા તે કોઈ લગ્ન પ્રસંગે બહાર ગયા હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઘરમાં એક થી દોઢ લાખનું નુકસાન થયુ હોવાનું હાલ તો અનુમાન લગાવ્યું છે.





















