Mahisagar: મહીસાગરમાં હાથમાં દારુના ગ્લાસ સાથે વાણીવિલાસ કરતા મામલતદારનો વીડિયો વાયરલ
મહીસાગર: અધિકારીઓ અને કર્મચારીઓએ લોકો માટે અને સમાજ માટે એક રોલ મોડલ બનતા હોય છે અને તેમને જોઈ અને સમાજ કંઈક શીખતો હોય છે. પરંતુ કેટલાક એવા અધિકારીઓ પણ હોય છે જેમની કરતૂતના કારણે સમાજ શર્મશાર બને છે.
મહીસાગર: અધિકારીઓ અને કર્મચારીઓએ લોકો માટે અને સમાજ માટે એક રોલ મોડલ બનતા હોય છે અને તેમને જોઈ અને સમાજ કંઈક શીખતો હોય છે. પરંતુ કેટલાક એવા અધિકારીઓ પણ હોય છે જેમની કરતૂતના કારણે સમાજ શર્મશાર બને છે. મહીસાગર જિલ્લામાં એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં કડાણા તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રાકેશ પરમારનો દારૂના ગ્લાસ સાથેનો વિડીયો વાયરલ થયો અને વીડિયોમાં રાકેશ પરમાર વાણીવિલાસ પણ કરી રહ્યા છે.
રાકેશભાઈ અહીંયા આવ્યા નથી
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની મામલતદાર કચેરીના મામલતદાર કમ્પાઉન્ડની અંદર જ આવેલ કોમ્યુનિટી હોલમાં રાકેશ પરમાર બેસતા હતા તેવું તેના સ્થાનિક કર્મચારીઓ જણાવી રહ્યા છે. ત્યારે રાકેશ પરમાર એ જ છે કે જેમનો દારૂના ગ્લાસ સાથે વાણીવિલાસ કરતો વિડિયો વાયરલ થયો છે. જેને લઈને abp asmita કડાણા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યું ત્યારે તેના સ્થાનિક કર્મચારીઓ જણાવી રહ્યા છે કે રાકેશભાઈ અહીંયા આવ્યા નથી અને વાયરલ વિડિયો માટે પૂછપરછ કરતાં તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. ત્યારે કોમ્યુનિટી હોલની ઉપર તપાસ કરતા ટેરીસ ઉપર જઈ રિયાલિટી ચેક કરતા વાયરલ વીડિયોમાં છે તેવું જ લોકેશન લાગી રહ્યું હતું.
રાકેશ પરમારનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમનો ફોન બંધ આવ્યો
જોકે રાકેશ પરમારનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમનો ફોન બંધ આવ્યો હતો પરંતુ અગાઉ તેમની સાથે જ્યારે ટેલીફોનીક વાતચીત થઈ ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો તેઓ જ્યારે માનગઢ ગયા હતા અને ત્યારબાદ તેમના મિત્ર સાથે રાજસ્થાન ગયા હતા ત્યારનો છે અને આ વિડીયો જૂનો છે તેવું તેમણે જણાવ્યું હતું. પરંતુ કચેરી ખાતે પહોંચી તેમને ફોન લગાડતા તેમનો ફોન બંધ આવ્યો હતો અને તેઓ કચેરીમાં પણ હાજર જોવા મળ્યા ન હતા.
પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ કરવા માટેના આદેશ આપ્યા
હવે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે ત્યારે વીડિયો ક્યારનો છે ક્યાંનો છે તે પોલીસની તપાસને અંતે જ ખબર પડશે અને જોવું એ રહ્યું કે આ બાબુ સામે કેવી કાર્યવાહી કરવામાં આવેલ છે. તો આ સંદર્ભે મહીસાગર જિલ્લા ડીવાયએસપી એ જણાવ્યું હતું કે કડાણા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારનો જે વિડીયો વાયરલ થયો છે તે સંદર્ભે કડાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે. વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.