Rain Forecast: રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો, આ જિલ્લામાં 24થી 26 નવેમ્બર સુધી વરસાદની આગાહી
રાજ્યમાં 24 નવેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે હવામાન વિભાગની આગાહી મુજબ 26 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં શુક્રવારથી માવઠાનો અનુમાન છે. આ સમય દરમિયાન તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે શુક્રવારથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી 24મીએ વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણના પલટા દરમિયાન અમદાવાદમાં પણ આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, 23 નવેમ્બરના રોજ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરી શકે છે. બનિહાલ, શ્રીનગર, પટનીટોપ સહિત ઘણી જગ્યાએ માત્ર હળવો વરસાદ જોવા મળી શકે છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, હવામાનશાસ્ત્રી ડૉ.સોમા સેને કહ્યું છે કે, હાલમાં અમને ખૂબ જ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. આવી સ્થિતિમાં, અમે 24-25 નવેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં હવામાનમાં ફેરફારની અપેક્ષા રાખી શકીએ છીએ.
IMDએ આગાહી કરી છે કે પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ બાદ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. દિલ્હીના હવામાનની વાત કરીએ તો બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિયાન એટલે કે 27મી નવેમ્બર સુધી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ગુરુવારથી લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. આવી સ્થિતિમાં, તમને રાત્રે વધુ ઠંડી લાગશે.
IMD એ આગામી થોડા કલાકોમાં કેરળ અને તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે મંગળવારે આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં 23 નવેમ્બર સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આંધ્રના ઉત્તરીય તટીય ભાગો, યાનમ, દક્ષિણ તટ અને રાયલસીમાના ભાગોમાં મંગળવારથી આગામી ત્રણ દિવસ સુધી વાવાઝોડું આવી શકે છે.