‘બિપરજોય’ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, NDRF ની 18 ટીમોને સ્ટેન્ડ બાય રહેવા આદેશ
બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે.
Biparjoy Cyclone Alert: હવામાન વિભાગ અનુસાર બીપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે.
બીપરજોય વાવાઝોડા ની શક્યતા ને પગલે તંત્ર એલર્ટ પર છે. NDRF ની દિલ્હી હેડ ઓફિસ થી એલર્ટ રહેવા આદેશ અપાયા છે. સાથે જ રાજ્ય ની NDRF ની 18 ટીમો ને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ રિજનલ રિસ્પોન્સ ટીમ વડોદરાના ઝરોદ ખાતે 12 ટીમ, ગાંધીનગરની 3 ટીમ અને રાજસ્થાન 3 ટીમો તૈયાર છે. વાવાઝોડા અને વરસાદ ને લઈને એન.ડી.આર.એફ સજ્જ છે. સમગ્ર ગુજરાતનું હેડ ક્વાર્ટર વડોદરા ના જરોદ પાસે કાર્યરત છે. એન.ડી.આર.એફ પાસે કુલ 18 ટીમો છે જેમાં 12 ટીમ વડોદરા માં સ્ટેન્ડ બાય મોડ પર છે જ્યારે 3 ટીમ ગાંધીનગર માં સ્ટેન્ડ બાય મોડ પર અને 3 ટીમ રાજસ્થાન માં સ્ટેન્ડ બાય મોડ પર છે. એક ટીમ માં 25 રેસ્ક્યુઅર્સ હોય છે. હજુ સુધી એક પણ ટીમ ને અન્ય જગ્યા પર ડિપ્લોય કરવામાં આવી નથી.
હવામાન વિભાગની આગાહી
'બિપરજૉય' વાવાઝોડાને લઇને હવામાન વિભાગે અગત્યની સૂચના આપી છે. હવામાન વિભાગ મુજબ વાવાઝોડાની ગુજરાત પર આગામી 5 દિવસ સુધી કોઇ અસર થશે નહી પરંતુ 2 દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ વરસાદ પડવાની શક્યતા નહિવત છે. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દમણ દાદારાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં ચોમાસુ કેરળમાં પહોંચી શકે છે. વાવાઝોડાની સ્થિતિને લઇને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. જો કે ગુજરાતમા વિધિવત ચોમાસાની શરૂઆતને હજુ સમય લાગશે.
ગુજરાતનાં તમામ બંદરોના કાંઠે બે નંબરનું સિગ્નલ
હવામાન વિભાગે માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ આપી છે, કેમ કે દરિયામાં મોજાં ઉછળી રહ્યાં છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડાનો માર્ગ જોતા એ કદાચ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે.