રહેણાંક વિસ્તારમાં રાત્રે 45 અને દિવસે 55 ડેસીબલથી વધુ મોટા લાઉડ સ્પીકર પર પ્રતિબંધઃ કોર્ટમાં સરકારનું સોગંદનામું
ડીવાયએસપી કક્ષાના અધિકારી ધ્વનિ પ્રદૂષણના કિસ્સાઓમાં નોડલ ઓફિસર તરીકે કામ કરશે. જિલ્લા દીઠ નીમાયેલા અધિકારીઓના નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો રાજ્ય સરકારે સોગંદનામાં મૂકી છે.
Use of Loudspeaker: ધાર્મિક સ્થાનો પર આડેધડ વાગતા લાઉડ સ્પીકરનો ઉપયોગ રોકવાની માંગ સાથે થયેલી અરજીમાં રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ પડશે. સ્થાનિકોને અગવડ પડે તે રીતના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર રાજ્ય સરકાર અંકુશ મુકશે. જો કે વાસ્તવિકતામાં અમલી કરી શકાય તે પ્રમાણેની નીતિ સમીક્ષા હેઠળ છે.
રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ અંગેની નીતિ જાહેર કરશે. રહેણાંક વિસ્તારમાં રાત્રે 45 ડેસીબલ અને દિવસે 55 ડેસીબલથી વધુ મોટા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. ડીવાયએસપી કક્ષાના અધિકારી ધ્વનિ પ્રદૂષણના કિસ્સાઓમાં નોડલ ઓફિસર તરીકે કામ કરશે. જિલ્લા દીઠ નીમાયેલા અધિકારીઓના નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો રાજ્ય સરકારે સોગંદનામાં મૂકી છે.
થોડા સમય હેલા મહારાષ્ટ્ર સહિત દેશભરમાં લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી. હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપતાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. અલાહાબાદ હાઈકોર્ટે બદાઉનમાં નૂરી મસ્જિદના મુતવલ્લીની અરજી ફગાવી દીધી.
આ સાથે જ હાઈકોર્ટે અઝાન માટે લાઉડસ્પીકરની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અરજી બદાઉનના બિસૌલી તહસીલના બહાવાનપુર ગામની નૂરી મસ્જિદના મુતવલ્લી ઈરફાન વતી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં એસડીએમ સહિત ત્રણ લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. SDM દ્વારા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી આપતી અરજીને બરતરફ કરવાને પડકારવામાં આવી હતી.
અરજીમાં હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મૂળભૂત અધિકાર હેઠળ હોવી જોઈએ. બુધવારે જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ વિકાસની ડિવિઝન બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અરજી ફગાવી દીધી અને કહ્યું કે અઝાન માટે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર હેઠળ આવતો નથી. લાઉડસ્પીકરને મંજૂરી આપવા માટે અન્ય કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી. કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે કોર્ટે અરજીમાં કરાયેલી માંગને ખોટી ગણાવી અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર નવ-નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. આ અંગે MNS ચીફે ધમકી આપી હતી કે જ્યાં સુધી લાઉડસ્પીકર દ્વારા અજાન આપવામાં આવશે ત્યાં સુધી હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી હતી.