Ahmedabad Plane Crash: નડીયાદમાં નિકળી હીનાબેન પટેલની અંતિમયાત્રા, પરિવારનું હૈયાફાટ રુદન
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના 16 વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે આજે નડિયાદના હીનાબેન સૌરભ કુમાર પટેલની અંતિમયાત્રા નીકળી હતી.

અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના 16 વ્યક્તિઓના મોત થયા છે. ત્યારે આજે નડિયાદના હીનાબેન સૌરભ કુમાર પટેલની અંતિમયાત્રા નીકળી હતી. હીનાબેન પટેલ તેમની દીકરીના કોલેજના એડમિશન માટે લંડનથી ભારત આવ્યા હતા. નડિયાદમાં 20 દિવસ રોકાયા બાદ 12 તારીખે લંડન જતી વખતે પ્લેન ક્રેશ દુર્ઘટના તેમનું કરુણ મોત થયું હતું.
સમગ્ર પરિવારમાં શોકનો માહોલ
હિનાબેનનો પાર્થિવ દેહ નડિયાદ લાવવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા કલેકટર, ખેડા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, મામલતદાર, પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહી હીનાબેન પટેલના પરિવારજનોને સાંતવના આપી હતી. નડિયાદના મોટાપોરમાંથી જ્યારે હિનાબેનની અંતિમયાત્રા નીકળી ત્યારે તેમના પરિવારજનો અને શહેરીજનોમાં કરુણાંતિકા સર્જાઇ હતી. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે. મોટી સંખ્યામાં નડિયાદના નાગરિકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. હીનાબેન પટેલને પોતાની દિકરી અને પતિએ મુખાગ્નિ આપી હતી.
દીકરીના એડમિશન માટે ભારત આવ્યા હતા
અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં નડિયાદના હિનાબેનનું પણ અવસાન થયું છે. હિનાબેન લંડન રહેતા હતા અને તેઓ તેમની દીકરીના એડમિશન માટે ભારત આવ્યા હતા. તેમના નિધનને લઈને હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, હિનાબેન થોડા દિવસ પહેલાં ભારત આવ્યા હતા અને તેમની દીકરીના એડમિશનના કામ માટે ભારત આવવું પડ્યું હતું. તેઓ નડિયાદ આવેલા હતા અને શરૂઆતમાં તેમની પરત લંડન જવાની ટિકિટ 6 જૂનની હતી. જોકે, કોઈ ખાસ કારણસર તેમણે ટિકિટ કેન્સલ કરાવી અને 12 જૂન માટે બુક કરાવી હતી.
અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા
અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી. જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.





















