Metro Train Start : અમદાવાદથી ગાંધીનગર આજથી દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે સમય અને ટિકિટ દર?
Metro Train Start : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે એટલે કે આજે ગાંધીનગર અને અમદાવાદના રહેવાસીઓને મેટ્રો ટ્રેનના ભેટ મળશે. આજે પીએમ મોદી આ રૂટ માટે લીલી ઝંડી આપી મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરાવશે.
Metro Train Start : 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ એટલે કે, આજે અમદાવાદમાં મેટ્રોના બીજા તબક્કાને લીલી ઝંડી આપશે. હવેથી અમદાવાદથી ગાંધીનગરની મુસાફરી કરવા માટે આપ મેટ્રોનો ઉપયોગ કરી શકશો. ખાસ કરીને આ બંને સિટી વચ્ચે અપડાઉન કરનાર માટે આ ટ્રેન આશીર્વાદ સમાન સાબિત થશે. ઉલ્લેખનિય છે કે,મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે, મેટ્રો ફેઝ-2નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે, જેના ટિકિચ દર માત્ર 35 રૂપિયા હતા. નાગરિકો માટે મેટ્રોની આ મુસાફરી સુગમ બની રહેશે અને સમય અને ખર્ચની બચત થશે.
આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો આજે શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.
આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.
એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર રૂ35 રહેશે. તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે જેનું ભાડું રૂ415થી પણ વધારે થાય છે. ઓટોરિક્શામાં આ ભાડું રૂ375 જેટલું રહે છે જેમાં સમય મેટ્રોની આસપાસ અને તેનાથી વધારે રહે છે. સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે.
આ પણ વાંચો
વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે ટ્રેન