હજુ સાત દિવસ વરસશે વરસાદ, રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદને લઇને એલર્ટ
હવામાન વિભાગે શનિવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે આજે છ જિલ્લા અને બે સંઘપ્રદેશમાં ગાજવીજ સાથે છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈ એલર્ટ અપાયું છે. હવામાને એલર્ટ અપાયું છે તેવા જિલ્લામાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે છૂટ્ટા છવાયા સ્થળે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે.
તો આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે. હવામાન વિભાગે શનિવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો રવિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી વલસાડ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યથી વધુ સારૂ રહેવાનો અંદાજ વ્યકત કરાયો છે.
22 જૂન બાદ ફરીથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 13.98 ટકા વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સીઝનનો 20.17 ટકા, કચ્છ ઝોનમાં 17.57 ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં 13.31 ટકા, દક્ષિણ ઝોનમાં 11.99 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 8.16 ટકા વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસ્યો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 30 તાલુકામાં 24 કલાકમાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડના પારડીમાં સવા પાંચ, તો કપરાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય ધરમપુરમાં સવા ચાર, ઉમરગામમાં ચાર, ખેરગામમાં ચાર ઈંચ, હાંસોટ અને ઓલપાડમાં પોણા ચાર ઈંચ, વઘઈ, વાલિયામાં સાડા ત્રણ- ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ, માંગરોળમાં અઢી, વલસાડ શહેરમાં અઢી ઈંચ, આહવા, સુબીર, કામરેજમાં બેથી અઢી ઈંચ, બારડોલી, અંકલેશ્વર, ચીખલીમાં વાંસદામાં દોઢથી બે ઈંચ, વ્યારા, સુરત શહેર, નેત્રંગમાં સવાથી દોઢ ઈંચ, ડેડિયાપાડા, પલસાણા, ગરબાડા, વાલોદ, સાગબારામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.





















