(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ પૂરતી વિજળી ન મળવાની ફરિયાદો ઉઠી
બનાસકાંઠામાં 10 કલાકની જગ્યાએ માત્ર 6 કલાક જ વીજળી મળી રહી હોવાનો આરોપ છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ પૂરતી વિજળી ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે..નવસારીના સદલાવ અને આસપાસના ગામોમાં આઠ કલાક વીજળી ન આવતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કમોસમી વરસાદના કારણે આ વખતે ખેડૂતોએ ઉનાળુ ડાંગરનું વાવેતર એક અઠવાડિયું મોડું શરૂ કર્યું.જિલ્લામાં આ વર્ષે 8 હજારથી વધુ હેકટરમાં ઉનાળુ ડાંગરની રોપણી કરવામાં આવી છે.પરંતુ ખેડૂતોને આઠ કલાક પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતાં ખેડૂતોને ડાંગરના પાકમાં પાણી આપવામાં તકલીફ આવી રહી છે.સદલાવ અને આસપાસના ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો નથી.જો કે બીજી તરફ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ વીજપુરવઠો ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં મળી રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં ખેતી માટે પૂરતી વિજળી ન મળતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. બનાસકાંઠામાં 10 કલાકની જગ્યાએ માત્ર 6 કલાક જ વીજળી મળી રહી હોવાનો આરોપ છે.ઉનાળુ વાવેતર સિઝનમાં વીજળી ખૂબ જ જરૂરી છે.પરંતુ વીજપુરવઠો સમયસર ન મળતાં ખેડૂતો ચિંતીત બન્યા છે.ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોની વિજળી ઉદ્યોગપતીઓને વેચાઈ રહી છે.એક તરફ બનાસકાંઠામાં સિંચાઈનું પાણી મળતું નથી.
વારંવારની રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા ખેડૂતોનું કહેવું છે કે 10 કલાકની વીજળી નથી જોઈતી. છ કલાક વિજળી આપો, પરંતુ નિયમિત આપે. ખેડૂતોનો તે પણ આરોપ છે કે વીજકંપની ના અધિકારીઓ વાત સાંભળતા નથી.બનાસકાંઠામા અપૂરતી વીજળી પુરવઠાને લઈ ધારાસભ્યની ઉર્જામંત્રીને પત્ર લખી રજુઆત કરી.ધારાસભ્ય નથાભાઈ પટેલ પૂરતો વીજપુરવઠો આપવા અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માંગ કરી. તેમને લખ્યું કે પૂરતા વોલ્ટેજ ના મળતા ખેડૂતોને થઈ રહ્યું મોટું નુકસાન છે.
આ પણ વાંચોઃ