ખેડૂતો અને તંત્ર સાવધાન! અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 15 દિવસ ગુજરાતમાં જળપ્રલય
Gujarat Rain Alert: જૂન 25 થી સાર્વત્રિક મેઘમહેર શરૂ થશે; ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 3 થી 10 ઇંચ વરસાદની સંભાવના, જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ ધોધમાર વરસાદ પડશે.

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા તૈયાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 15 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલના મતે, જૂન 25 થી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે. ખાસ કરીને, જૂન 26 થી જૂન 30 આસપાસના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે.
જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનું જોર યથાવત રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળામાં 3 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, જુલાઈ 9 થી 15 માં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે, જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક કરી શકે છે અને પૂરની સ્થિતિ સર્જી શકે છે. આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંનેએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે, અને હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે.
આજની વરસાદી આગાહી અને એલર્ટ:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે જૂન 23 ના રોજ રાજ્યના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર અને દ્વારકા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે હળવા વરસાદની શક્યતા છે.
આગામી દિવસોની આગાહી:
- આગામી 4 દિવસ: રાજ્યભરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
- આગામી 7 દિવસ: સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
- જૂન 24 થી 27: આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
રથયાત્રા પર મેઘમહેર?
ધાર્મિક મહત્વ ધરાવતી રથયાત્રાના દિવસે, જૂન 27 ના રોજ, અમદાવાદ સહિત કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો રથયાત્રા દરમિયાન વરસાદના અમી છાંટણા થાય તો તેને શુભ માનવામાં આવે છે, જે ભક્તોના ઉત્સાહમાં વધારો કરશે.
માછીમારો માટે સૂચના:
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને દરિયામાં કરંટ રહેવાની શક્યતાને પગલે, જૂન 24 થી જૂન 29 સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ ચેતવણી ખાસ કરીને જૂન 24 સુધી વધુ ભારપૂર્વક અપાઈ છે.





















