ભારે વરસાદથી ગુજરાતમાં જળાશયો છલકાયા: 10 ડેમ 100% ભરાયા, 29 ડેમ 70 થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર
રાજ્યમાં 46% થી વધુ જળસંગ્રહ, ગત વર્ષ કરતાં 7% નો વધારો; સરદાર સરોવરમાં 50% થી વધુ પાણી, સૌરાષ્ટ્ર અગ્રેસર.

Dam Overflow Alert: ચાલુ વર્ષે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં રાજ્યના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 10 જળાશયો સંપૂર્ણપણે (100%) ભરાઈ ગયા છે, જેના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 29 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
જળાશયોની વર્તમાન સ્થિતિ
આ સંપૂર્ણ ભરાયેલા 10 જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામનગર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદનો સમાવેશ થાય છે.
ગત વર્ષની સરખામણીએ વધુ જળસંગ્રહ
હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01% જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ આંકડો ગત વર્ષે આ જ સમયે, એટલે કે જૂન 23, 2024 ના રોજ, 38.26% હતો, જે દર્શાવે છે કે આ વર્ષે જળસંગ્રહમાં નોંધપાત્ર 7% થી વધુનો વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15% પાણી સંગ્રહાયેલું છે.
પ્રદેશવાર જળસંગ્રહની સ્થિતિ
પ્રદેશવાર જળાશયોની સ્થિતિ જોઈએ તો, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 48.15% જળ સંગ્રહ છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 43.80%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 42.03%, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 33.10%, અને કચ્છના 20 જળાશયોમાં 28.72% થી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.
આ સિવાય, સરદાર સરોવર સહિત રાજ્યના 25 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે, 61 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે, જ્યારે 82 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં 18 હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં 16 હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં 13 હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં 13 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
જળ વ્યવસ્થાપનમાં ગુજરાતની આત્મનિર્ભરતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા અનેક જળ સંચયના અભિયાનો શરૂ કર્યા છે, જેના પરિણામે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા 'કેચ ધ રેઈન' ના આહવાનને સાકાર કરવા ગુજરાતમાં 'કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.O' નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ જળ સંચયના પ્રયાસોના ફળ સ્વરૂપે જ રાજ્યમાં હાલ પૂરતા પ્રમાણમાં જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે.





















