Amreli: સિંહ, દીપડાના હુમલાથી ખેડૂતો, ખેતમજૂરોના મોત મામલે ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મંત્રીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કરી રજૂઆત
Amreli News: હિંસક પ્રાણીઓ સિંહ, દીપડાઓને રેવન્યુ વિસ્તામાંથી પકડીને ગીરના જંગલમાં મુકવા રજુઆત કરવામાં આવી છે.
Amreli News: તાજેતરમાં અમરેલીના સાવરકુંડલાના આદસંગ સામે સિંહે સીમમાં બાળકીને ફાડી ખાધી હતી. અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીના માનવી પર હુમલાની ઘટના સમયાંતરે સામે આવતી રહે છે. જેને લઈ ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મંત્રી હિરેન હિરપરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગીરના જંગલના ફરી માલધારીઓના વસવાટ અને તેને પ્રાથમિક સુવિધાઓ આપવા કિસાન મોરચા ગુજરાત ભા.જ.પ.ના મહામંત્રી હિરેન હિરપરાએ રજુઆત કરી છે. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ તેમજ રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરાને રજુઆત કરી છે.
પત્રમાં તેમણે લખ્યું છે, સિંહ, દીપડાના હિંસક હમલાથી ખેડૂતો, ખેતમજરો મોતને ભેટે છે. દિવસે વીજળી આપવા છતા ખેડૂતોએ ખેતીપાકોને નકશાન કરતા રોઝ – ભુંડના ત્રાસ સામે રાત્રે રખોપા કરવા પડે છે. અમરેલી જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં હિંસક દિપડાઓના ખેડૂતો અને ખેતમજુરો ઉપર હુમલાથી મોતને ભેટી રહ્યા છે. આ ઘટનાઓ દુઃખદ ઘટનાઓ છે. ઉપરાંત આવી ઘટનાઓથી ખેતીને વ્યાપક નુકશાન થઈ રહ્યુ છે, ગીરના જંગલને અડીને આવેલા અમરેલી, જુનાગઢ,ગીર સોમનાથ જિલ્લાઓમાં દીપડા ઉપરાંત સિંહના હિંસક હુમલાઓના સતત બનાવો બનતા રહે છે. ગીરનું જંગલ છોડીને હિંસક પ્રાણીઓ આજુબાજુના જિલ્લાઓમાં વસવાટ કરતા જાય છે. ત્યારે આવા હિંસક પ્રાણીઓ સિંહ, દીપડાઓને રેવન્યુ વિસ્તામાંથી પકડીને ગીરના જંગલમાં મુકવા રજુઆત કરવામાં આવી છે.
ભૂતકાળમાં ગીરના જંગલમાં માલધારીઓના નેસડાઓ અને વસવાટ હતા, ત્યાં સુધી સિંહ રેવન્યુ વિસ્તારમાં ઓછા હતા. વન વિભાગની અણઘડ નિતિઓના હિસાબે માલધારીઓને જંગલ બહાર કાઢતા સિંહ, દીપડાઓ પણ રેવન્યુ વિસ્તારમાં આવી ગયા છે. ત્યારે ગીરના જંગલના ફરી માલધારીઓના વસવાટ અને તેને પ્રાથમિક સુવિધાઓ આપવા કિસાન મોરચા ગુજરાત ભા.જ.પ.ના મહામંત્રી હિરેન હિરપરા એ રજુઆત કરી છે.
જે વિસ્તારમાં ભૂંડ અને રોઝનો ત્રાસ છે, તેવા વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વિજળી આપવાથી સમસ્યાનું સમાધાન નથી, ખેડૂતો અને ખેત મજુરોએ રાત ઉજાગરા કરીને તેના પાકને રાત્રે નુકશાન કરતા ભૂંડ અને રોઝથી બચાવવો પડે છે. ત્યારે આવા હિંસક હુમલોઓ બનતા ખેડૂતો મજુરો ભયભીત બને છે. આજે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, ત્યારે આવા હિંસક પ્રાણીઓના હુમલાથી બેવડો માર પડી રહ્યો છે, ત્યારે આવા હિંસક પ્રાણીઓને રેવન્યુ વિસ્તારમાંથી ગીરના જંગલમાં મુકવા અને આવા હુમલા અટકાવવા તાકિદે પગલા ભરવા જોઈએ.