Rain: રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો, દરવાજા ખોલી પાણી છોડાયુ, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર
Gujarat Rain: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં ધાતરવડી ડેમના દરવાજો ખોલાયો છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે

Gujarat Rain: ગુજરાતમાં વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, હવામાન વિભાગના એલર્ટ પ્રમાણે, આજે પાંચ જિલ્લા અને બે સંઘપ્રદેશ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ તંત્ર દ્વારા સૂચના અપાઇ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદે અમરેલી જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. અમરેલીના રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે. નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
ભારે વરસાદના કારણે અમરેલીમાં જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે, અમરેલીના રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં ધાતરવડી ડેમના દરવાજો ખોલાયો છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદી પાણીમાં છોડાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા રાજુલાના ધાતરવાડી ડેમ-2માં પાણીની ભારે આવક થઈ છે.જેના પગલે ડેમના 10 દરવાજા ખોલાયા છે. જાફરાબાદના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ જામ્યો છે. ધોધમાર વરસાદ થતા ડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે ખાખબાઇ, વડ, છતડિયા, હિંડોરણા, રામપરા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત લોઠપુર, કોવાયા અને ઉછેયા સહિતના ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
હાલ અમરેલીના રાજુલા, જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનો માહોલ છે. તેવામાં દરિયામાં પણ ભારે તોફાનની સ્થિતિ છે. જેના કારણે અત્યાર સુધી 3 બોટ ડૂબી ચૂકી છે. ગઇ કાલે જાફરાબાદની દેવકી બોટ 10 ખલાસી સાથે આવતી હતી. ત્યારે ડૂબી અન્ય બોટ દ્વારા 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું. જોકે હજી 3 લાપતા છે. આમ અત્યાર સુધી 3 બોટ ડૂબી જવાની ઘટના બની છે. હાલ, જાફરાબાદ બંદરથી મધદરિયામાં ભારે તોફાનથી સ્થિતિ ગંભીર છે. જેથી રેસ્ક્યુ પણ મુશ્કેલ બન્યું છે.



















