સુરતમાં તક્ષશિલા આગ કાંડમાં હાઈકોર્ટે બિલ્ડરોને કઈ શરતે આપ્યા જામીન ? મૃતક વિદ્યાર્થીઓની વાલી કેમ છે ખફા ?
સુરત તક્ષશિલા આગ કાંડ મામલે હાઇકોર્ટે 50 લાખના વળતરની શરતે જામીન આપતા આ નિર્ણયથી મૃતક વિદ્યાર્થીઓના વાલીઓ નારાજ થયા છે.
સુરત: સુરત તક્ષશિલા કાંડ મામલે હાઇકોર્ટે પહેલી વખત જામીન અરજીને 50 લાખના વળતર સાથે મંજૂર કરી છે. જો કે મૃતક વિદ્યાર્થીઓના વાલીઓ આ નિર્ણયથી અંસંતુષ્ટ છે અને તેમણે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનિય છે કે, આરોપી બિલ્ડર સવજી પાઘડાલ અને રવિન્દ્ર કહાની જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે. જો કે જામીન 50 લાખના વળતરની શરતે મંજૂર કર્યાં છે અને આ રકમ ત્રણ મહિનાની મુદ્દતમાં ચુકવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે આ તક્ષશિલા અગ્નિકાંડમાં આરોપી ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડર વેકરિયા અને દિનેશ વેકરિયા જેલમાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપી જામીન મુક્ત છે. જેલમાં રહેલા આરોપીએ અનેક વખત જામીન અરજી કરી હતી. આખરે તેમને જામીન અરજી મંજૂર થઇ છે. જો કે આરોપીની પાસપોર્ટ જપ્ત કરી લેવાયા છે અને સમયસર પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની શરતે આરોપીના જામીન મંજૂર કરાયા છે.
કોર્ટે જામીન મુદ્દે નિર્ણય કરતા સ્પષ્ટતા કરી કે, આ કેસમાં હજું 251 સાક્ષી ચકાસવાના છે. સજાની જોગવાઇ દસ વર્ષની છે. આ કેસ હજું લાંબો સમય ચાલશે આ તમામ સ્થિતિને જોતો આરોપીને જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, આ કેસમાં 14 આરોપીની ધરપકડ કરાઇ હતી. તાજેતરમાં જ 13 આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ કરાયો હતો.
જો કે કોર્ટના આ નિર્ણયથી મૃતક વિદ્યાર્થીના વાલીઓ અસંતુષ્ટ છે. ફરિયાદી વાલીઓના તરફથી ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું હતું કે, વળતર વાલીઓને મંજૂર નથી. આ માટે વાલીઓ સુપ્રીમ સુધી જવા તૈયારી છે. ફરિયાદ પક્ષના વકીલે કહ્યું હતું કે, આ મુદ્દે સુપ્રીમમાં અપીલ કરાશે.