(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha News: મહિલાએ મૃત ગાયનો વીમો પાસ કરાવા માટે કરી કરામત, પણ તપાસમાં ભાંડો ફૂટ્યો
Banaskantha: આ બનાવ છે બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામનો જ્યાં એક મહિલાએ મૃત ગાય ઉપર વીમાના 40 હજાર રુપિયાનો ક્લેમ કર્યો હતો.
Banaskantha: આ બનાવ છે બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામનો જ્યાં એક મહિલાએ મૃત ગાય ઉપર વીમાના 40 હજાર રુપિયાનો ક્લેમ કર્યો હતો. આ વીમાના દાવાને જિલ્લા ઉપભોક્તા આયોગે તપાસ બાદ રદ કરી દીધો છે. કારણ કે, મહિલાએ જે મૃત પશુ ઉપર વીમો ઉતરાવ્યો હતો તેની અદલા-બદલી થઈ હોવાની વાત સામી આવી હતી.
ગાયનો ટેગ મેચ થયો પણ ગાય મેચ ના થઈઃ
મેમદપુર ગામમાં રહેતાં રતનબેન ભૂતડિયાએ પોતાની એક ગાયનો વીમો ઉતરાવ્યો હતો. વીમો ઉતરાવ્યા બાદ વીમા કંપની નેશનલ ઈન્સોરન્સ કંપની લિમિટેડે તે ગાયનો તમામ રેકોર્ડ લીધો હતો અને તેનો ટેગ ગાયના કાનમાં પણ પહેરાવ્યો હતો. વીમો ઉતરાવ્યા બાદ આ ગાયનું મૃત્યુ 20 ડિસેમ્બર 2017ના રોજ થયું હતું. ત્યાર બાદ વીમા ધારકે આ ગાયના વીમાનો દાવો કંપનીમાં રજૂ કર્યો હતો. જો કે, ગાયના મૃત્યુ અંગેની તપાસમાં ગાયના કાનમાં રહેલો ટેગ વીમા કંપનીના ટેગ સાથે મેળ ખાતો હતો. પરંતુ, પશુ ડોક્ટરે કરેલા પોસ્ટમોર્ટ રિપોર્ટમાં જે ગાયનું મૃત્યુ થયું હતું તે અને જે ગાયનો વીમો ઉતરાવ્યો હતો તે મેચ ના થઈ.
વીમા ક્લેમને રદ કર્યોઃ
વીમા કંપનીના કહેવા મુજબ જે ગાયનો વીમો ઉતારવામાં આવ્યો હતો તેના માથામાં સફેદ ધબ્બા નહોતા. આ સિવાય તે ગાયના શિંગડા ગોળાકાર હતા જ્યારે જે ગાય મૃત્યુ પામી હતી તેના શિંગડા અણીદાર હતા. આ માહિતી અનુસાર વીમા કંપનીએ રતનબેન ભૂતડિયાના વીમા ક્લેમને રદ કર્યો હતો. ત્યાર બાદ રતનબેને બનાસકાંઠા જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગમાં વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી હતી.
તપાસમાં સામે આવી હકીકતઃ
ડોક્ટર અને તપાસકર્તા બંનેના રિપોર્ટથી ખબર પડી કે, ગાયના શિંગડા અને માથાને કાળા રંગથી રંગવામાં આવ્યા હતા. જો કે, કેટલાક સફેદ ધબ્બા હજી પણ ગાય ઉપર રહી ગયા હતા. રિપોર્ટમાં બંને ગાયોના શિંગડામાં વિરોધાભાસ હતો. વીમા કંપનીએ એ પણ આરોપ લગાવ્યો કે, વીમો ઉતરાવેલી ગાયના કાનમાં રહેલું ટેગ પણ હટાવાયું હતું અને મૃત ગાયના કાનમાં લગાવી દેવામાં આવ્યું હતું. આ બધી હકીકતના આધારે વીમા કંપનીની વાત ઉપભોક્તા આયોગે માન્ય રાખી હતી અને રતનબેન ભૂતડિયાની અરજીને રદ કરી હતી.